જીટીયુ દ્વારા શહીદ દિનની ઉજવણી પ્રસંગે “શહીદ કપ” કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરાયુ.

GUJARAT Publish Date : 17 March, 2021 06:12 PM

         જીટીયુ દ્વારા શહીદ દિનની ઉજવણી પ્રસંગે “શહીદ કપ” કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરાયુ.

 

-         જીટીયુ ખાતે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડૉનેટ કરીને ભગતસિંહ , સુખદેવ અને રાજગુરૂને શ્રદ્ધાંજલી અપાશે.

 

-         રાજ્યના 4 ઝોન અમદાવાદ , મહેસાણા , સુરત અને રાજકોટ ખાતે આ ટુર્નામેન્ટ રમાશે.

  દેશની મોસ્ટ પ્રોમીસીંગ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર તથા અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા આગામી તા. ર૩ માર્ચના રોજ શહીદ દિનની  ઉજવણીના ભાગરૂપે “શહીદ કપ” કબડ્ડીની ટુર્નામેન્ટનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. અંગ્રેજ સરકાર દ્વારા ર૩ માર્ચ ૧૯૩૧ના રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ હતી. દેશ માટે શહીદી વ્હોરી લેનાર આ સપૂતોની યાદમાં સમગ્ર દેશમાં ''શહીદ દિન''  ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે હિંમત, સાહસ અને ચપળતા અને વીરતાનાં ગુણો વિકસાવતી સ્વદેશી રમત કબડ્ડીની  ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં જીટીયુ ખાતે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડૉનેટ કરીને ભગતસિંહ , સુખદેવ અને રાજગુરૂને શ્રદ્ધાંજલી અપાશે.  જીટીયુના કુલપતી પ્રો. ડૉ.  નવીન શેઠ અને કુલસચિવ ડૉ. કે. એન. ખેરે જીટીયુ સ્પોર્ટ્સ ઓફિસર ડૉ. આકાશ ગોહિલને સફળ આયોજન માટેની શુભકામનાઓ પાઠવી છે.

 

જીટીયુ દ્વારા સંલગ્ન સંસ્થાઓના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદ , સુરત , મહેસાણા અને રાજકોટ એમ 4 ઝોનમાં કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઝોન માટે જી.ટી.યુ. ચાંદખેડા કેમ્પસ ખાતે ,  મહેસાણા ઝોન માટે  જીપેરી ખાતે ,  રાજકોટ ઝોન માટે  શ્રી એચ.એન.શુકલા કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ  ખાતે અને સુરત ઝોન માટે સી.કે.પીઠાવાલા એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ખાતે ટુર્નામેન્ટ રમાશે. ભાગ લેનાર ટીમને સ્મૃતિ ચીન્હ અને સર્ટીફિકેટ, વિજેતા - ઉપવિજેતાને ટ્રોફી તેમજ ઈનામોથી સન્માનિત કરવામાં આવશે. વર્તમાન પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને આયોજન કરતી તમામ સંસ્થાઓ દ્વારા કોવિડ-19 બાબતે સરકારશ્રીની તમામ પ્રકારની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે. વધુ માહિતી માટે sports@gtu.edu.in ઈ-મેઈલ આઈડી પર સંપર્ક કરવાનો રહશે.

Related News