ગાંધી શિલ્પ બજાર’ હસ્તકલા મેળાની ૨૦ હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત, ૧૫ લાખથી વધુની ચીજવસ્તુઓની ખરીદી

RAJKOT-NEWS Publish Date : 16 March, 2021 08:02 PM

*‘ગાંધી શિલ્પ બજાર’ હસ્તકલા મેળાની ૨૦ હજારથી વધુ લોકોએ લીધી મુલાકાત, ૧૫ લાખથી વધુની ચીજવસ્તુઓની ખરીદી*

 

*સ્કિલ ઇન્ડિયા : લાખો લોકોને રોજગારી પુરી પાડતી ભારતીય હસ્તકળાએ વટાવ્યા છે સીમાડા*

 

*મધુબની આર્ટના મહારથી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શાંતીદેવીએ ૧૫ થી વધુ દેશની કલા પ્રદર્શનીમાં લીધો છે ભાગ*

 

• મધુબનીમાં ભીંત ચિત્ર, લાઈન વર્ક, કલર વર્ક, ગોબર વર્ક સહીત કુલ સાત પ્રકારે પરંપરાગત હેન્ડ વર્ક કરવામા આવે છે. 

• ગેરુ, કેસુડો, કંકુ, ગેંદા, બોગન, બીલી સહિતના ફળાઉ ઝાડપાન કે તેના બીજને ઘૂંટીને રંગ તૈયાર કરવામા આવે છે

 

રાજકોટ સ્થિત રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે હાલમાં જ ‘ગાંધી શિલ્પ બજાર’ હસ્તકલા મેળાનું સમાપન થયું. આ મેળામા સમગ્ર દેશમાંથી પ્રચલિત પરંપરાગત કલાથી તૈયાર થયેલી ચીજવસ્તુઓના ૭૦ જેટલા સ્ટોલ દ્વારા પ્રદર્શન તેમજ વેંચાણ હાથ ધરાયુ હતુ. જેમા ૨૦ હજારથી વધુ લોકોએ મુલાકાત લઈ ૧૫ લાખથી વધુની ચીજવસ્તુઓની ખરીદી કરી છે. કચ્છની બાંધણી, કર્ણાટકની વૂડ ઇન્લે ક્રાફટ, બંગાળની પુષ્પકલા સહીતની કલા - કારીગરીની ચીજ વસ્તુઓ સાથે  વિવિધ પ્રદેશમાંથી આવેલા કારીગરો દ્વારા વેંચાણ અર્થે પ્રદર્શિત કરવામાં આવેલ માટી, ખાદી, ચર્મ, વુડમાંથી તૈયાર કરેલ વસ્તુઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.

જે પૈકી બિહારના મધુબનીની ભાતીગળ મિથિલા આર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવતા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શાંતીદેવીએ આ મેળામાં તેમની કલાનો પરિચય રાજકોટવાસીઓને કરાવ્યો હતો. મધુબનીમાં ભીંત ચિત્ર, લાઈન વર્ક, કલર વર્ક, ગોબર વર્ક સહીત કુલ સાત પ્રકારે પરંપરાગત હેન્ડ વર્ક કરવામા આવે છે. ઋતુ, પ્રસંગને અનુરૂપ ફ્રી-હેન્ડ ડ્રોઇંગ અને તેમાં કુદરતી રંગોનું મિશ્રણ ત્યાંની ભાતીગળ કલાનું બેનમૂન નિરૂપણ કરે છે.

માત્ર બાર વર્ષની ઉંમરે માતા પાસેથી કલા શીખ્યા બાદ શાંતીદેવી એ સૌ પ્રથમ પરંપરાગત રીતે ઘરોની દિવાલ પર ચિત્રો દોરવાનું શરૂ કર્યું. આ કલાને લગ્ન બાદ તેમણે તેમના પતિની મદદથી આગળ વધારી અને દિવાલની સાથે આ કલાને તેમણે કેનવાસ ઉપર જીવંત બનાવી. 

મધુબનીના લહેરિયાગંજના નિવાસી અને મિથિલા પેન્ટિંગના મહારથી શાંતીદેવી આ આર્ટ વિષે જણાવે છે કે,  કાગળ અને કપડાંને ઘૂંટીને તૈયાર કરતા ખાસ કેનવાસ કે જે હેન્ડ-બેડ થી ઓળખાય છે તે પેપર પર છાણ અને ગુન્દના મિશ્રણનું એક લેયર કરવામાં આવે છે, જેના પર બ્લેક ઈંકપેનથી લાઈન અને રેખાઓના મિશ્રણથી મનગમતું ચિત્ર દોરવામાં આવે છે. ત્યારબાદ તેમાં ગેરુ, કેસુડો, કંકુ, ગેંદા, બોગન, બીલી સહિતના ફળાઉ ઝાડપાન કે તેના બીજને ઘૂંટીને તૈયાર કરેલ રંગ પુરવામાં આવે છે.

 

 

 

 

 

 

 

ઓછું ભણેલા પરંતુ મધુબની આર્ટમાં મહારથી હાંસલ કરેલા શાંતીદેવીના ચિત્રો શરૂઆતમાં ડો. રેમન્ડ નામના અમેરીકન ખરીદી કરતા,  ૮૦ ના દસકામાં એ પેન્ટિંગ રૂ. ૫ થી ૧૦ માં વેંચતા,  સમય જતા જતા એ આર્ટની ઊંચી કિંમત મળવા લાગી. નેપાળના રાજા શૈલેષના જીવન પર તૈયાર કરેલ આર્ટ પસંદગી પામતા તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. હાલ તેમના ચાર સંતાન અને પતિ આ પરંપરાગત કલા આગળ ધપાવી રહ્યા છે. તેમના પતિ શિવમ પાસવાન આર્ટ સ્કૂલ ચલાવે છે, જેમાં અત્યાર સુધીમાં ૪ હજાર જેટલા લોકોએ આ કલા શીખી છે. અનેક લોકોને રોજગારીનું માધ્યમ આ પરિવાર બન્યો છે. 

આર્ટ બનાવવાનો વિષય કેવી રીતે પસંદ કરો તેમ પૂછતાં શાંતીદેવીએ જણાવ્યું હતું કે મોટા ભાગે ધાર્મિક કથાઓ, વિવિધ ઋતુ અને તેની વન્ય જીવો પર અસરોને તેઓ કેનવાસ પર ઉતારે છે. હાલ ફાગણ મહિનો હોઈ ક્રિષ્ન, ગોપીઓ રંગે રમતા હોઈ તેવા ચિત્રની માંગ રહેશે તેમ જણાવે છે.

શાંતિ દેવીએ જાપાન ડેનમાર્ક, દુબઈ, સિંગાપુર, મલેશિયા, બેંગકોક સહીત ૧૫ થી વધુ દેશોમાં તેમની કલાના કામણ પાથર્યા છે. આ કલાથી પ્રેરાઈને રાજકોટના કેટલાક કલારસીક વિદ્યાર્થીઓમાં શાંતિદેવીએ તેમની કલાની સમજણ થકી મધુબની આર્ટના બીજનું આરોપણ કર્યું છે. જે આવનારા દિવસોમાં રાજકોટમાં પણ વટવૃક્ષ બની ઉગી નીકળશે.

મધુબની પેઇન્ટિંગની કલાને ટે્ક્સટાઈલ મંત્રાલય દ્વારા જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગથી પ્રમાણિત કરવામાં આવ્યો છે.

અનેક આર્ટીઝનની કલાવસ્તુના ઓર્ડર પણ મળ્યા હોવાનું તેઓએ જણાવ્યું છે. ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલય અને ગરવી ગુર્જરી વિભાગ દ્વારા અનેકવિધ પ્રયાસોથી ભારતીય હસ્તકલામાં નવા પ્રાણ ફૂંકાયા છે. તેઓની કલા દેશવિદેશમાં પ્રખ્યાત બની છે તેમજ રોજગારીના ક્ષેત્રે નવા દ્વારો ખીલ્યા છે.

Related News