સોમાલિયામાં ફસાયેલા 33 ભારતીયોને સ્વદેશ લાવવામાં સફળતા 

GUJARAT Publish Date : 17 December, 2020 01:17 AM

ગુજરાત સહિત 5 રાજ્યના 33 કામદારોને સોમાલિયાથી સ્વદેશ પરત લાવવામાં સફળતા મળી
સોમાલિયાના કંપનીમાં પગાર ન મળતા ફસાયા હતાં, વિદેશ મંત્રાલયે મદદ કરી

11 કામદારોનું પહેલું ગ્રુપ મેગાદિશુ એરપોર્ટથી ભારત પહોંચ્યું.

 નવી દિલ્હી

સોમાલિયામાં ફસાયેલા 33 ભારતીય કામદારોને સ્વદેશ પરત લાવવામાં ભારતીય વિદેશ મંત્રાલયને મોટી સફળતા મળી છે. આ 33 ભારતીયોમાં ગુજરાતના નાગરિકો પણ સામેલ છે. આ માહિતી કેન્યા સ્થિત ભારતીય દૂતાવાસે સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી જાહેર કરી છે. તે અનુસાર 11 કામદારોનું પહેલું ગ્રુપ 15 ડિસેમ્બરે મેગાદિશુ એરપોર્ટ પરથી ભારત આવવા માટે રવાના થયું હતું.
 
ભારતીય વિદેશ મંત્રાલય તરફથી મળેલી જાણકારી પ્રમાણે 33 ભારતીય નાગરિકો સોમાલિયાની એક કંપનીમાં કામ કરતા હતા જ્યાં તેમને પગાર ચૂકવવામાં આવતો ન હતો. તેઓ ઘણા સમયથી ત્યાં ફસાયેલા હતા. ઓક્ટોબર મહિનામાં કેન્યા સ્થિત ભારતીય મિશન દ્વારા આ મામલો પૂરજોશથી ઉઠાવવામાં આવ્યો હતો. 
મિશનના અધિકારીઓ કેન્યાથી સોમાલિયા ગયા અને વિદેશ વિભાગની મદદથી અધિકારીઓએ ત્યાં કંપની અને કર્મચારીઓ સાથે વાતચીત કરી. વાતચીત બાદ કંપનીના અધિકારીઓ ભારતીયોને મળવાપાત્ર પગાર ચૂકવવા માટે સહમત થયા હતા. જે કામદારો ભારત પરત જવા માંગતા હતા તેમને પરત મોકલવા માટે પણ કંપની સાથે સહમતિ બની  હતી. 

આ મામલે મંત્રાલયના એક અધિકારીએ કહ્યું, ‘‘ભારતીય કામદારોને સુરક્ષિત પરત મોકલવા માટેના આ સકારાત્મક અભિગમ બદલ અમે સોમાલિયાના આભારી છીએ. પહેલા ગ્રુપમાં અત્યારે 33માંથી 11 ભારતીયોને સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. આવનારા અમુક અઠવાડિયામાં બાકીના 22 ભારતીયોને પણ પરત લાવવામાં આવશે. દરેક કામદારો ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ અને પંજાબના રહેવાસી છે.  ’’

Related News