રાજકોટમાં ઉજવાશે સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ

RAJKOT-NEWS Publish Date : 11 March, 2021 08:24 PM

*રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાશે 'સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ'*

 

*મહાત્મા ગાંધી મ્યુઝિયમ તથા કસ્તુરબા ધામ ત્રંબા ખાતે આઝાદીના ૭૫ વર્ષ કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ : લોકોમાં ઉમંગ-ઉત્સાહ*

એ મારા, ગાંધી વાલીડા તને જાજી ખમ્મા..” ગરબાના શબ્દો વડે ગુંજી ઉઠશે રાજકોટ

*જિલ્લા વહિવટી તંત્ર અને રાજકોટ મહાનગર પાલિકના સંયુક્ત ઉપક્રમે યોજાનાર કાર્યક્રમોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના છાત્રો દ્વારા સવિનય કાનૂનભંગની ફ્લેગમાર્ચ રજૂ કરાશે*


રાજકોટ

 અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે આવતીકાલે તા. ૧૨ માર્ચના રોજ  પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં 'સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ' ના પ્રારંભના ઉપલક્ષ્યમાં રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે 'સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમનું રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેર ઉપરાંત નજીકના ત્રંબા કસ્તુરબા ધામ ખાતે પણ સવારે ૦૯-૦૦ કલાકે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ શ્રી પંકજ ભટ્ટ અને ધારાસભ્યશ્રીઓ અને નાગરીકોની ઉપસ્થિતિમાં ઉજવાશે.
 
રાજકોટ ખાતે ગાંધી મ્યુઝીયમ ખાતેના તા. ૧૨મીના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સવારે ૦૯ કલાકે સ્કૂલના છાત્રો દ્વારા મહાનુભાવોનું પારંપરિક સ્વાગત કરાશે, સ્વાતંત્ર્ય સેનાનીઓને આદરાંજલિ, સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, ગાંધીજીના પ્રિય ભજનો, પ્રાર્થના, ગાંધીજીના જીવન આધારિત “એ મારા ગાંધી વાલીડા તને જાજી ખમ્મા” ગરબો વગેરેની રજૂઆત કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એન.એસ.એસ. ના ૧૦૦ જેટલા છાત્રો દ્વારા સવિનય કાનૂનભંગની દાંડીકુચની યાદગીરી રૂપે ફ્લેગમાર્ચ રજૂ કરવામાં આવશે. આઝાદીના જંગમાં પોતાના જાન ન્યોછાવર કરનારા ભારતના વીર સપૂતોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે. જાણીતા વક્તાઓશ્રી  શૈલેષભાઇ સગપરિયા તેમજ જવલંત છાયા આઝાદી અંગેના તેમના વિચારો રજુ કરશે. ગાંધીના વિચારો અને આજનું ભારત થીમ આધારીત ટૂંકી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજ દિન સુધીમાં ૧,૬૯,૫૪૩ જેટલા મુલાકાતીઓએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી છે. જેમાં ૭૮૭ જેટલા વિદેશી મુલાકાતીઓએ ગાંધી મ્યુઝિયમને નજરે નિહાળ્યું છે. આ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટંસિંગ સાથે લોકો બેસી શકે તેવા વિશાળ ડોમનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, આઝાદીના સંગ્રામમાં રાજકોટનું સવિશેષ યોગદાન રહ્યું છે. ગાંધીજીનું ભણતર અને ઘડતર રાજકોટમાં થયું છે. ગાંધીજીને રાજકોટ સાથે સ્વાતંત્ર્ય ચળવળમાં પણ નાતો રહ્યો છે. કસ્તુર બા ગાંધીના જીવનની સ્મૃતિઓ પણ રાજકોટ સાથે જોડાયેલી છે. ગાંધીજીના જીવનમુલ્યો સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલ એવા ક.બા.ગાંધીનો ડેલો તથા રાષ્ટ્રીય શાળા રાજકોટ શહેરની અમુલ્ય વિરાસતનું જીવતુ જાગતું ઉદાહરણ છે.
 રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક તંત્ર દ્વારા કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા લોકોમાં ઉમંગ અને ઉત્સાહ છે.

 

Related News