સિવિલની સારવારે નવજીવન પામતા પ્રભુભાઈ સીતાપરા

RAJKOT-NEWS Publish Date : 19 April, 2021 07:28 PM

સિવિલની સારવારે નવજીવન પામતા પ્રભુભાઈ સીતાપરા

સિવિલમાં દાખલ થયો ત્યારે મને આશા જ મુકાઈ ગઈ હતી, પરંતુ ભગવતીની દયા અને સિવિલના ડોક્ટરો તેમજ આરોગ્યના સ્ટાફની સારવારના કારણે હું આજે નવજીવન પામ્યો છું

 કોરોના વાયરસની બીજી લહેરના કારણે સમગ્ર રાજ્યમાં સંક્રમણ વધ્યું છે. ગુજરાતના નાગરિકોને આ સંક્રમણમાંથી બહાર લાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના સીધા માર્ગદર્શન નીચે સમગ્ર રાજ્યમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ કટિબદ્ધ બની કાર્ય કરી રહ્યા છે, જેના પરિણામે અનેક લોકો કોવીડ - 19 થી ગંભીર રીતે સંક્રમીત થયા બાદ પણ મોતના મુખમાંથી બહાર આવી ગયા છે. આવા જ એક દર્દી એટલે મોરબીના પ્રભુભાઈ સીતાપરા.
મોરબી ખાતે રહેતા પ્રભુભાઈ હાલમાં રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઇ રહ્યા છે. કોરોનાના કારણે મોતના મુખમાં જતા રહેલા પ્રભુભાઈને સિવિલ હોસ્પિટલના ડોક્ટર - નર્સ સહિતના આરોગ્ય કર્મીઓની સઘન સેવા - સારવારે નવજીવન બક્ષ્યું છે.
પ્રભુભાઈના શબ્દોમાં જ કહીએ તો, " રૂપિયા દેતા પણ ખાનગી હોસ્પિટલોમાં એટલી સારવાર નથી મળતી જેટલી મને આ સિવિલ હોસ્પિટલમાં મળી છે. અહીંયા દર્દીની સારવાર સેવાની ભાવના સાથે કરવામાં આવે છે, એવું મેં સાંભળ્યું હતું. એટલે જ હું મોરબીથી અહીં સારવાર માટે દાખલ થયો હતો. અહીં આવીને જોયું કે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓને બચાવવાની ખૂબ મહેનત કરે છે."
મૃત્યુના મુખમાંથી પણ બહાર આવેલા પ્રભુભાઈ કહે છે કે, કોરોના થતા હું પહેલા મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ ત્યાં મારી તબિયત વધુ બગડતાં હું ૩, એપ્રિલના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો. અહીં આવ્યો ત્યારબાદ મને શરૂઆતના આઠ - નવ દિવસ મોટા મશીન ઉપર જ રાખવામાં આવ્યો હતો. આ સમય દરમ્યાન સિવિલના તમામ લોકોએ મારી ખૂબ સંભાળ રાખી. અહીં દાખલ થયો ત્યારે મને આશા જ મુકાઈ ગઈ હતી. પરંતુ ભગવતીની દયા અને સિવિલના ડોક્ટરો તેમજ આરોગ્યના સ્ટાફની સારવારના કારણે હું આજે નવજીવન પામ્યો છું.
સિવિલ હોસ્પિટલના આરોગ્ય કર્મીઓએ મારા જેવા સામાન્ય માણસને નવું જીવન આપ્યું છે તેમ જણાવતા ગદગદિત સ્વરે પ્રભુભાઈ કહે છે કે, મને બચાવવા તમામ લોકોએ ખૂબ મહેનત કરી છે. હું અમીર હોય કે ગરીબ, બધા લોકોને કહેવા માગું છું કે, તમારી પાસે રૂપિયા હોય કે ન હોય પણ એકવાર રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેજો તો તમને ખબર પડશે કે સિવિલમાં કેવી સારી રીતે દર્દીઓની સેવા સારવાર થાય છે. અહીં એટલા સારા મશીનો છે, જે ખાનગી હોસ્પિટલોમાં પણ નથી જોવા મળતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવેક દિવસની સઘન સારવારના પરિણામે પ્રભૂભાઈની હાલતમાં સુધારો થતાં તેમને રાજકોટની સમરસ હોસ્ટેલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા. જ્યાં ડોક્ટર અને આરોગ્ય કર્મીઓની સઘન સારવાર બાદ તેમની હાલતમાં ખૂબ સારો સુધારો થતાં હાલમાં તેમનું ઓક્સિજન લેવલ ૯૮ એ પહોંચી ગયું છે. 
કોરોનાના કારણે સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માનસિક રીતે ભાંગી પડતા હોય છે, જેના કારણે તેમની તબિયત ઉપર વિપરીત અસર પડતી હોય છે. આવા દર્દીઓને સિવિલના આરોગ્યકર્મીઓની સેવા ભાવના સાથેની સારવાર ઝડપથી સ્વસ્થ બનાવે છે.
                                  

Related News