રાજકોટમાં કરોડપતિ ચોર : ત્રણ માળનો સેન્ટ્રલી એસી બંગલો અને લાખોની કારમાં ફરવાનો છે શોખ 

BREAKING NEWS Publish Date : 15 December, 2020 02:14 AM

Rajkot

રાજકોટમાં છેલ્લા છ માસમાં ૧૨ મકાનમાં ત્રાટકી લાખોની મત્તાની ચોરી કરનાર અને 'કરોડપતિ ચોર' તરીકે ઓળખાતા આનંદ ઉર્ફે જયંતી જેસંગ સીતાપરા (કોળી, ઉ.વ.૪૯) અને તેના પુત્ર હસમુખ (ઉ.વ.૩૦)ને ક્રાઈમ બ્રાંચે આજે ઝડપી લઈ રૂા. ૧૫ લાખ જેવી માતબર રકમનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

છેલ્લા ઘણાં સમયથી રાજકોટને કાર્યક્ષેત્ર બનાવી ચોરી કરનાર આનંદ વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ઘરફોડ ચોરીના ૩૨ ગુના નોંધાયેલા છે. ૨૦૧૭માં તેની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી.

શહેરના પોશ એરિયામાં આવેલા બંધ બંગલા અને મકાનોમાં મોટી મત્તાની ચોરીની ટેવ ધરાવતા આનંદે ગઈ તા.૧૭/૧૧/૨૦૨૦ના રોજ રામકૃષ્ણનગર શેરી નં.૧૩માં આવેલા બંધ મકાનને રાત્રે નિશાન બનાવી લાખો રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. જે અંગે એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. 

એ-ડિવિઝન પોલીસે આ ચોરીમાં તેની સાથે સામેલ પિયુષ વિનુભાઈ અમરેલીયા (રહે. રિદ્ધી-સિદ્ધી સોસાયટી શેરી નં.૪, કોઠારીયા સર્વિસ રોડ)ને ઝડપી લીધો હતો. ત્યારે તેનું નામ ખુલતા એ-ડિવિઝન પોલીસ તેની શોધખોળ કરતી હતી, પરંતુ રીઢો અને શાતીર હોવાથી હાથમાં આવતો ન હતો. આખરે ક્રાઈમ બ્રાંચના પીઆઈ વી. કે. ગઢવીએ પણ તેને પકડવા ટીમો બનાવી હતી. આ માટે જામનગર, રાજકોટ, કુવાડવા, બારડોલી સહિતના શહેરોમાં ટીમો મોકલવામાં આવી હતી, પરંતુ હાથ આવતો ન હતો. 

આખરે આજે તેને પુત્ર સાથે ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ધાખડાએ જામનગર રોડ પરના માધાપર ચોકડી નજીકથી ઝડપી લીધા હતા. બંનેના કબજામાંથી સોના-ચાંદીના દાગીના, પાંચ કાંડા ઘડિયાળો, બે બાઈક, રોકડા રૂપિયા ૩.૧૯ લાખ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પૂછપરછમાં શહેરમાં છેલ્લા છ માસમાં લાખો રૂપિયાની મત્તાની ચોરી કર્યાની કબૂલાત આપી છે. 

ક્રાઈમ બ્રાંચે બંનેનો કબજો એ-ડિવિઝન પોલીસને સોંપી દીધો છે. જે હવે આગળની તપાસ કરશે. આનંદ અને તેનો પુત્ર હાલ સુરતમાં પલસાણા રોડ પર સોપાના સૃષ્ટિ બંગલા નં.૨૭માં રહેતા હતા. આ બંગલો ભાડે રાખ્યો છે. 

Related News