નવા વર્ષે સીએમ રૂપાણીની લોકોને ભેટ:1000નવી બસો ખરીદી લોકોની સેવામાં મુકાશે:15 કરોડના કાર્યોના ઇ ખાતર્મુહુત કર્યા

GUJARAT Publish Date : 01 January, 2021 08:25 PM

 

નવા વર્ષના પ્રથમ દિવસે ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂા. ૧૫ કરોડના ખર્ચે નવા પાંચ બસ સ્ટેશન તેમ જ એક વર્કશોપ – ડેપોનું ઇ-લોકાર્પણ તથા રૂા. ૧૮ કરોડના ખર્ચે તૈયાર થનાર ૧૦ બસ સ્ટેશનનું ઇ-ખાતમુહુર્ત કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે એસ.ટી.ને નફાનું નહીં સેવાનું સાધન બનાવ્યું છે. સામાન્ય – ગરીબ વંચિત લોકો માટે અવર-જવરના સરળ અને સસ્તા માધ્યમ જેવી એસ.ટી.બસોની સુવિધા ઉપલબ્ધ બનાવી છે. રાજયના દરેક ગામમાં ઓછામાં ઓછી એક ટ્રીપ મળે જ તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે. ખોટ કરતા રૂટ બંધ કરી નફો કરતા રૂટ પર બસો દોડાવી શકાય પણ તે અમારે કરવું નથી. 

છેલ્લા બે દાયકામાં અમારી સરકારે સામાન્ય માનવીની સુવિધાઓનો પ્રથમ વિચાર કર્યો છે. લોકોને પરિવહન ક્ષેત્રે સારી સુવિધા મળે તે માટે પરિવર્તન લાવી સેમી લકઝરી, લકઝરી, વોલ્વો, સ્લીપર કોચની સેવાઓ ખાનગી બસ સેવાઓની સામે પુરી પાડી છે. સાથો સાથ આગામી સમયમાં એક હજાર નવી બસો અને ૫૦ નવી ઇ-બસ શરૂ કરવાનું આયોજન પણ એસ.ટી. નિગમ દ્વારા કરાયું છે. 

 

 

 

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે કોરોનાના સંક્રમણ સમયે રાજય અને રાજય બહારના અંદાજે ૬ લાખ ૭૫ હજારથી વધુ શ્રમિકોને ૨૩ હજાર બસો દ્વારા પોતાના વતનના સ્થળે સલામત રીતે પહોંચાડયા છે. તેવી જ રીતે રાજયના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થીઓ અને યાત્રાળુઓ રાજસ્થાન, ઉત્તરાખંડ વગેરે રાજયમાં ફસાયેલા હતા તેઓને ૧૦૦ જેટલી બસો મારફતે સાલમત રીતે ગુજરાતમાં પરત લાવ્યા છીએ. આમ એસ.ટી.નિગમના કર્મચારીઓ સાચા અર્થમાં કોરોના વોરીયર્સ બન્યા છે.   

આ તકે મુખ્યમંત્રીશ્રીએ એસ.ટી. ના હજારો ડ્રાઈવર, કંડકટર તેમજ અન્ય કર્મચારીઓની સેવાનિષ્ઠાને બિરદાવી હતી.

ગાંધીનગરથી આયોજિત ઈ-ખાતમુહુર્ત પ્રંસગે કોટડા સાંગાણી ખાતે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં તકતી અનાવરણ તેમજ ભુમિપુજન કરવામાં આવ્યું હતું.

કોટડા સાંગાણી ખાતે રૂ. ૧૦૨.૧૧ લાખના ખર્ચે આધુનિક બસ સ્ટેન્ડ નિર્માણ પામશે, રોજની ૪૦ બસોની ટ્રીપ દ્વારા ૨૦૦૦ લોકોને ઉચ્ચતમ સેવાનો લાભ મળશે.

  ગાંધીનગરથી આયોજિત આ કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રીશ્રી આર. સી. ફળદુ તેમજ રાજય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ વર્ચ્યુલ ઉપસ્થિત રહયાં હતા. કાર્યક્રમના પ્રારંભમાં ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના ઉપાધ્યક્ષશ્રી એસ.જ.એ હૈદરે વર્ચ્યુલ સ્વાગત પ્રવચન કર્યું હતુ. જયારે કોટડા સાંગાણી ખાતે કાર્યક્રમના પ્રારંભે અમદાવાદ એસ.ટી. વિભાગીય નિયામકશ્રી જે.એન. પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું.

આ પ્રંસગે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખભાઇ ખાચરીયા, મહામંત્રીશ્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી, મનીષભાઈ ચાંગેલા, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયા, ચંદુભાઈ વઘાસીયા, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ,  તાલુકાના પંચાયતના પદાધિકારીઓ તેમજ  એસ.ટી. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

Related News