કેન્સર હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથેના ૨૦ બેડની સુવિધા ઉભી કરાઈ

RAJKOT-NEWS Publish Date : 19 April, 2021 07:22 PM

કેન્સર હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથેના ૨૦ બેડની સુવિધા ઉભી કરાઈ

 

 કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઈ મુખ્યમંત્રી શ્રી વિજ્યભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના માર્ગદર્શન નીચે કોરોના સંક્રમીત દર્દીઓ માટેની સુવિધામાં વધારો થાય તે માટે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનની આગેવાની હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી સઘન બનાવવામાં આવી છે. જેના પરિણામે રાજકોટ શહેરમાં સીવીલ હોસ્પિટલ ઉપરાંત શહેરની કેન્સર કોવીડ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ૨૦૦ ઓકસીજન બેડ પૈકી ૨૦ બેડને ICU માં ફેરવવામાં આવ્યા હોવાનું કેન્સર કોવીડ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડો. અંજના ત્રિવેદીએ જણાવ્યું છે. 

રાજકોટ શહેરમાં અત્યાર સુધી માત્ર સીવીલ હોસ્પિટલ ખાતે જ વેન્ટીલેટરની સુવિધાવાળા બેડ ઉપલબ્ધ હતા, પરંતુ કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ રાજકોટની કેન્સર કોવીડ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ ૨૦૦ ઓકસીજન બેડ પૈકી ૨૦ બેડને ICU માં કન્વર્ટ કરવાનો નિર્ણય કરી તે માટેની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. જેના કારણે કોરોના સંક્રમીત દર્દીઓને વેન્ટીલેટરની જરૂરીયાત ઉભી થયે આ વેન્ટીલેટરની સુવિધાવાળા ૨૦ ICU બેડ ઉપયોગમાં લઈ શકાશે. આ બેડની સાથે આ કેન્સર કોવીડ હોસ્પિટલમાં હવે ૨૪ કલાક એનેસ્થેસ્ટીકની સેવા પણ ઉપલબ્ધ બની છે. જેથી અહીં આવતા દર્દીઓની સારવાર વધુ સારી રીતે થઈ શકશે.

Related News