રામેશ્વર શરાફી મંડળીના હોદ્દેદારો 42 રોકાણકારોના 60 કરોડ ચાઉ કરી ગયા

RAJKOT-NEWS Publish Date : 01 January, 2021 06:47 PM

રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીના હોદ્દેદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. રામેશ્વર શરાફી સહકારી મંડળીના ચેરમેન સંજય દુધાત્રા વાઇસ ચેરમેન ગોપાલ રૈયાણી તેમજ મેનેજર વિપુલ વસોયા વિરુદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સમગ્ર મામલે વાત કરવામાં આવે તો કુલ 42 રોકાણકારોના 60 કરોડ જેટલા રૂપિયા લઈને તમામ આરોપીઓ ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભક્તિનગર પોલીસને મળેલ લેખિત ફરિયાદ મુજબ કુલ 17 થાપણદારોએ 3.11 કરોડ રૂપિયાની પોતાની સાથે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવે તો સાથોસાથ તેમના પૈસા તેમને પરત અપાવવામાં આવે. મીડિયા સાથેની વાતચીતમાં ભોગ બનનાર લોકોએ જણાવ્યું હતું કે જ્યારે ખાનગી તેમજ સરકારી બેંકો ફિક્સ્ડ ડિપોઝિટમાં 5.5 ટકાથી લઈ 7 ટકા જેટલું વ્યાજ આપે છે ત્યારે શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળી દ્વારા વાર્ષિક 12 ટકા વ્યાજ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસ બેડામાં ચર્ચાતી વાતો મુજબ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓના સગાવહાલાઓ એ પણ પોતાના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે.  ત્યારે હાલ ભક્તિનગર પોલીસ દ્વારા ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ફરાર આરોપીઓ કેટલા સમયમાં ઝડપાઈ જાય છે તેમ જ લોકોને તેમના પૈસા પરત મળે છે કે  કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે

Related News