યુટ્યુબ ક્રીએટર્સએ ચૂકવવો પડશે ટેક્સ:ગુગલે કરી જાહેરાત

BUSINESS Publish Date : 11 March, 2021 06:43 PM

ગૂગલે જાહેરાત કરી છે કે, જૂન મહિનાથી તે ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં યુ-ટ્યુબ કન્ટેન્ટ બનાવનારાઓ પાસેથી પ્રતિ માસ 24થી 30 ટકાનો ટેક્સ વસૂલશે. આ ટેક્સ અમેરિકનો દ્વારા જોવામાં આવતી યુ-ટ્યુબ સામગ્રીથી જે આવક થાય તેના પર લેવામાં આવશે. 

ગૂગલનું ટેક્સ ગણિત

- જો તમે ટેક્સ સંબંધી વિગતો જાહેર ન કરી તો વિશ્વભરમાંથી પ્રતિ માસ થતી આવકના 24 ટકા ટેક્સ

- ટેક્સ સંબંધી દસ્તાવેજો સોંપશો, ટેક્સ સંધિ લાભને યોગ્ય હશો તો અમેરિકી દર્શકો દ્વારા પ્રતિ માસ થતી આવકના 15 ટકા ટેક્સ

- ટેક્સની વિગતો આપશો પરંતુ ટેક્સ સંધિ લાભના યોગ્ય નહીં હોવ તો પ્રતિ માસ અમેરિકી દર્શકો દ્વારા થતી કુલ આવકના 30 ટકા ટેક્સ ચુકવવો પડશે

ગૂગલના કહેવા પ્રમાણે જો તમે અમેરિકાને છોડીને અન્ય દેશોના દર્શકો દ્વારા કમાણી કરી રહ્યા છો તો તમારે ટેક્સ ચુકવવાની જરૂર નથી. જો કે ટેક્સ સંબંધી દસ્તાવેજો આપવા પડશે. ટેક્સ સંબંધી દસ્તાવેજો નહીં આપવામાં આવે તો આવકમાંથી 24 ટકા રકમ ટેક્સ તરીકે કપાઈ જશે.

 

યુ-ટ્યુબર્સની આવકમાંથી ટેક્સની કપાત કેટલાક પરિબળો પર નિર્ભર રહેશે. અમેરિકાથી બહારના ક્રિએટર્સ પોતાની ટેક્સ સંબંધી જાણકારી આપશે તો અમેરિકનો દ્વારા જોવામાં આવતા કન્ટેન્ટ પર 0થી 30 ટકાનો ટેક્સ લાગી શકે છે. આ સંજોગોમાં જો તમે એવું કન્ટેન્ટ તૈયાર કરી રહ્યા છો જેને જોનારા સૌથી વધુ લોકો અમેરિકાના હોય તો ટેક્સ કાપ માટે તૈયાર થઈ જાઓ. અમેરિકી સરકાર અને સંબંધિત યુટ્યુબરના દેશની સરકાર વચ્ચે જો કોઈ ટેક્સ રાહત સંબંધી સંધિ હશે તો તેનો લાભ મળશે અને ઓછો ટેક્સ આપવો પડશે. 

ગૂગલે ઈ-મેઈલ દ્વારા ચેતવણી આપી છે કે, યુ-ટ્યુબ ક્રીએટર્સ 31 મે, 2021 સુધીમાં પોતાની ટેક્સ સંબંધી જાણકારીઓ નહીં આપે તો કન્ટેન્ટ દ્વારા થતી કુલ આવકમાંથી 24 ટકા ટેક્સ તરીકે કપાઈ જશે. નવા નિયમ પ્રમાણે યુ-ટ્યુબ દ્વારા કમાણી કરનારાઓ પાસેથી દર મહિને ટેક્સની રકમ કાપવામાં આવશે. 

 

Related News