ભાવનગરના 600 આરોગ્ય કર્મીઓ કોવિડ વેકસીન લઈ વિશ્વના સૌથી મોટા રસિકરણ અભિયાનમાં જોડાયા

GUJARAT Publish Date : 16 January, 2021 07:00 PM

ભાવનગરના 600 આરોગ્ય કર્મીઓ કોવિડ વેકસીન લઈ વિશ્વના સૌથી મોટા રસિકરણ અભિયાનમાં જોડાયા

કોરોના સામે સીધો જંગ લડનારા જિલ્લાના ૮,૭૦૦ આરોગ્ય કર્મીઓએ વેકસીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું

-:રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે:-

કોરોના રસીકરણ એ કોરોના મહામારીના અંતનો આરંભ છે

ભારતના વૈજ્ઞાનિકોએ શોધેલી રસી કોઇ જ આડ અસર વિનાની સંપૂર્ણ સુરક્ષિત રસી છે જે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે કોવિડ-૧૯ ની મહામારીને અંકુશમાં લાવવા સમગ્ર દેશમાં આજ રોજ વિશ્વના સૌથી મોટા રસિકરણ અભિયાનનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જે અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ વિવિધ ૬ કેન્દ્રો ખાતેથી કોરોના સાથે સીધો જંગ લડનારા ૬૦૦ આરોગ્ય કર્મીઓને કોવિશિલ્ડ વેકસીન અપાઇ હતી.

જેમાં ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકા વિસ્તારમાં આજરોજ શિવાજી સર્કલ, આખલોલ જકાતનાકા તેમજ આનંદનગર જ્યારે ગ્રામીણ વિસ્તારમાં બોરડા, સોનગઢ તથા તલગાજરડા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર્સ, નર્સ તેમજ અન્ય મેડિકલ સ્ટાફને કોરોના રસી અપાઇ હતી.

આ પ્રસંગે ભાવનગર શહેરના શિવાજી સર્કલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ રસિકરણનો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા આગોતરૂ આયોજન કરી લોકડાઉન જાહેર કર્યું તેમજ લોકડાઉન દરમ્યાન લોકોને હાલાકી ન પડે તે માટે અનાજ, પરિવહન, આરોગ્ય સહિતની તમામ સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી અને આવી પરિસ્થિતિમાં પી.પી.ઇ.કીટ, વેન્ટીલેટર, દવાઓ સહિતના ઉત્પાદનો ભારતમાં જ નિર્માણ કરી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપ્યો.

કોરોના રસીકરણ એ કોરોના મહામારીના અંતનો આરંભ છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના સામે સીધો જંગ લડ્યા છે તેવા જિલ્લાના ૮,૭૦૦ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં રસી અપાશે. ભારતના વૈજ્ઞાનિકોએ શોધેલી રસી કોઇ જ આડ અસર વિનાની સંપૂર્ણ સુરક્ષિત રસી છે તેમજ આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે.જેના ૨૮ દિવસના અંતરે બે ડોઝ લેવા જરૂરી છે.કોરોના સામે રક્ષણ મેળવવા, રોગને ફેલાતો અટકાવવા તથા મૃત્યુદર ઘટાડવા રસી લેવી આવશ્યક છે. કોવિશિલ્ડ રસી તમામ સંશોધન પ્રક્રિયા મુજબ જરૂરી ડેટાનો અભ્યાસ કરીને બનાવવામાં આવેલ છે. કોરોના મુક્ત થયેલ વ્યક્તિ પણ આ રસી લઇ શકે છે. રસી લીધા બાદ પણ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ હાથ ધોવા જરૂરી છે. 

શિવાજી સર્કલ આરોગ્ય કેન્દ્ર ખાતે સૌ પ્રથમ શહેરના સિનિયર ડેન્ટિસ્ટ ડો.ચંદ્રશેખર, ડો.રૂપલ જેઠવા, ડો.નીલમ રંગલાણી, ડો.પ્રતીક ગાબાણી તેમજ ડો.જલ્પા રાઠોડે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોવિડ વેકસીન લઇ વેકસીનેશનનો શુભારંભ કરાવ્યો હતો . જ્યારે ડો.રક્ષાબહેન ભટ્ટ દ્વારા વેકસીનશન કરાયું હતું.
જ્યારે ગ્રામીણ વિસ્તારમાં તલગાજરડા ખાતે સિનિયર બાળરોગ નિષ્ણાંત ડો.ભરત ગોહેલ, બોરડા ખાતે ડો.પી.વી.રેવર અને ડૉ.નિલેશ પટેલે તેમજ સોનગઢ ખાતે ડો.જયેશ વાછાણી તેમજ ડો.મનસ્વીની માલવીયાએ કોવિડ રસી લીધી હતી.
સુચારૂ રસીકરણ માટે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વેકસીનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ તેમજ વેઇટિંગ રૂમ સહિતની અલાયદી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.એ.ગાંધી, મેડિકલ કોલેજના ડિન શ્રી ડો.હેમંત મહેતા, શ્રી ભરતસિંહ ગોહિલ, શ્રીમતિ નિમુબહેન બાંભણીયા, શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી યોગેશભાઈ બદાણી, શ્રી ડી.ડી.ગોહિલ, શ્રીમતિ યોગીતાબેન પંડ્યા, શ્રી ભરતભાઈ દિહોરા, શ્રીમતિ શીતલબેન પરમાર તેમજ સરકારી તથા ખાનગી ક્ષેત્રના ડોક્ટર્સ, નર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા.

Related News