મારા પરિવારને જેટલી મારી જરૂર છે એનાથી વિશેષ મારી જરૂર અત્યારે સમાજ અને દેશને  છે ડો. રાહુલ ગંભીર

RAJKOT-NEWS Publish Date : 29 April, 2021 06:24 PM

પરિવારના સભ્યો સંક્રમિત છતા દર્દી નારાયણની સેવામાં સમર્પિત રાજકોટ સિવિલના તબીબ


મારા પરિવારને જેટલી મારી જરૂર છે એનાથી વિશેષ મારી જરૂર અત્યારે સમાજ અને દેશને  છે
ડો. રાહુલ ગંભીર, મેડીસિન વિભાગના નોડલ ઓફીસર, પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ

રાજકોટ તા.૨૯

૭૩ વર્ષીય પિતા અને ૬૫ વર્ષીય માતા, ૩૯ વર્ષીય પત્નિ, નાનો ભાઈ તથા તેના પત્નિ કોરોનાગ્રસ્ત હોય ઘરમાં ૩ બાળકો કઠીન પરિસ્થિતિમાંથી પસાર થતા હોય અને વ્યક્તિ પર પરિવાર અને શહેરના લોકોને બચાવવાની ડોક્ટર તરીકેની બેવડી જવાબદારી હોય.આવા સમયે સમાજ પ્રત્યેની જવાબદારીને પ્રાથમીકતા આપીને સતત પોતાની ફરજ બજાવી રહેલા પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ, રાજકોટના મેડીસિન વિભાગના નોડલ ઓફીસર ડો. રાહુલ ગંભીરની આ વાત છે.
કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને ઉગારવા માટે અત્યાર સુધી પડદા પાછળ રહીને સૌથી મહત્વની ભુમિકા ભજવનાર રાજકોટ સિવીલ હોસ્પિટલ મેડીસિન વિભાગના ખાતે કોવિડ-૧૯ના દર્દીઓ માટે જરૂરી અને અગત્યની સારવાર આપીને તબીબો રાત દિવસ ફરજ બજાવી રહ્યા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ મેડીસિન વિભાગના તબીબોની સારવાર મેળવી રહ્યા છે.
ડો. રાહુલ ગંભીર જણાવે છે કે, કોરોના વાયરસના સંક્રમણનો ભોગ કોઈપણ વ્યક્તિના ઘર સભ્યો બને ત્યારે પરિસ્થિતિ ખરાબ અસહ્ય અને બની જાય છે. મારા ૭૩ વર્ષીય પિતા અને ૬૫ વર્ષીય માતા, ૩૯ વર્ષીય પત્નિ, નાનો ભાઈ તથા તેના પત્નિ કોરોનાગ્રસ્ત બન્યા હતા.. જેમાંથી મારા પિતા અને નાનો ભાઈ તથા તેના પત્નિએ કોરોના મુક્ત બન્યા છે. અમારા ઘરમાં  ૧૩ વર્ષનું એક બાળક અને ૧૦ અને (૫) પાંચ વર્ષની બે નાની નાની બાળકીઓ છે. મારી માતાને બીપી અને ફેફસાની બીમારી છે તા. ૧૬ એપ્રિલ પોઝીટીવ છે. જ્યારે મારા પત્નીને કોઈ અન્ય કોઈ કો-મોરબીડિટીવાળી બીમારી નથી, પરંતુ તેમની તબિયત નાજુક છે. છેલ્લા પાંચેક દિવસ થી તે બંને સિવિલમાં સારવાર લઈ રહ્યા છે.
“કર્મ એ જ સાચો ધર્મ છે” વાતને ખરા અર્થમાં સાકાર કરતા ડો. ગંભીરે જણાવ્યું હતું કે, એક સમયે હું પોતે ઘરથી એટલા માટે દૂર રહેતો હતો કે ઘરના સભ્યોને કોરોના સંક્રમિત ન થાય અને આજે જ્યારે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે ત્યારે ઘરના સભ્યોથી એટલે દૂર રહું છું કે હું કોરોના સંક્રમિત ન થઈ જાઉં. મારા પરિવારને જેટલી મારી જરૂર છે એનાથી વિશેષ જરૂર અત્યારે સમાજને મારી છે, દેશને પણ મારી જરૂર છે. મારી કર્તવ્યનિષ્ઠામાં મને કોઈ બાધા નડતી નથી. આ મુશ્કેલીના સમયે ભગવાને મારા મનોબળને વધુ મજબુત કર્યો છે. જો હું જ હિંમત હારી જઈશ તો કોરોનાના સંક્રમણને અટકાવવામાં હું સરકારને સહયોગી કેમ થઈ શકીશ!
ભવિષ્યમાં આવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સૌને અપીલ કરતા ડો.ગંભીરે જણાવ્યું હતું કે, આપણે સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખીએ તો કોરોનાની લહેરને પહોંચી વળવા મુશકેલી પડતી હોય છે.  સમજદારીપૂર્વક વર્તીને સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, માસ્ક યોગ્ય રીતે નાકની ઉપર પહેરીએ અને હાથને વારંવાર સેનેટાઈઝ કરીએ અથવા સમયસર ૪૦ સેકન્ડ માટે ધોતા રહીએ. કોરોના થી જલ્દી મુક્તિ મળે તે માટે જાગૃતિ જરુરી છે. પરંતુ ઉપરોક્ત નિયમોનું પાલન કરીને કોરોના સંક્રમણને કાબૂમાં રાખી શકાય જેથી એક સાથે કેસ ન આવે અને પરિસ્થિતિને કાબુ કરી શકાય.
  સપ્ટેમ્બર-૨૦ થી ઓક્ટોબર-નવેમ્બર-૨૦ દરમિયાન અમે લોકો  દસ દિવસ કોવિડ ઝોનમાં કામ કરીએ તો પાંચ દિવસ નોન કોવિડ ઝોનમાં કામ કરવા માટે રોટેશન મળતું હતુ. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા ૧૦ કે ૧૨ માર્ચથી લઇને અમે બધા જ કોરોના વોર્ડમાં ડ્યુટી કરીએ છીએ. વર્તમાન સંજોગોમાં કોરોના મહામારીની બીજી લહેરના કારણે રજા કે રોટેશન શક્ય નથી.
રોજના બાર-ચૌદ કલાક અહીં કામ કરવું સામાન્ય થઈ પડ્યું છે. આખા દિવસ દરમ્યાન પાંચ થી છ કલાકનો આરામ મળી રહે છે. સ્ટાફની દરેક વ્યક્તિ  સંપૂર્ણ પારિવારિક ભાવનાથી માત્ર પોતાની ફરજ જ નહીં પરંતુ દેશસેવાના આ અવસરને સંપૂર્ણ ચરિતાર્થ કરી રહ્યા  છે. પોતાની સ્ટ્રેન્થ-સ્ટેમિના અને અવેરનેસ ટકાવી રાખવા માટે યોગ અને પ્રાણાયમ માટે અડધો કલાક સમય બચાવીને એ પણ કરી લઈએ છીએ, તેમ શ્રી ગંભીર જણાવ્યું હતું.
સલામ છે તેમની હિંમતને, તેમની કર્તવ્ય પરાયણતાને, કોરોનાની લડાઈમાં રોજે-રોજ બાર-બાર કલાક સુધી કરતા તબીબમાં રાષ્ટ્રસેવાના સંતોષનો હરખ નજરે પડે છે.

Related News