સાંગણવા પેટા આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મી હિરેનભાઇની સમયસુચકતાએ માખાવડના ૭૫ વર્ષીય લાભુબેનને નવજીવન બક્ષ્યું

GUJARAT Publish Date : 03 May, 2021 10:40 AM

“ સાહેબ, તમારો ખુબ-ખુબ આભાર. તમારા પરતાપે મારી માં એ કોરોનાને દાંત કાઢતા કાઢતા હરાવ્યો” હરખ સાથે આભાર વ્યકત કરતા આ શબ્દો છે લોધીકા તાલુકાના સાંગણવા પેટા આરોગ્ય કેન્દ્ર હસ્તક આવતા ગામ માખાવડના રહિશ જેન્તીભાઇ રામાણીના.....  
       તા. ૧૫મી ને સવારે સાંગણવા પેટા આરોગ્ય  કેન્દ્રના મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર હિરેનભાઇ લોઢીયાને માખાવડ ગામથી જેન્તીભાઇ રામાણીનો ફોન આવ્યો કે મારા મા ને તાવ ઉતરતો નથી. સમાચાર મળતાં જ હિરેનભાઇએ માખાવડ ખાતે રૂબરૂ મુલાકાત લઇને ૭૫ વર્ષીય લાભુબેનનો એન્ટીજન્ટ ટેસ્ટ કરતાં માલુમ પડયું કે તેઓ કોરોના પોઝીટીવ છે. તેઓનું SPO2 લેવલ પણ ૮૬ જણાયું. અનુભવી હીરેનભાઇએ તુરત જેન્તીભાઇને પરિસ્થીતી સમજાવી લાભુમાને સવીલી હોસ્પીટલમાં દાખલ કરવા સમજાવ્યા. તેઓની સમજાવટથી જેન્તીભાઇ રાજકોટ સીવીલમાં મા ની વધુ સારવાર અર્થે દાખલ કરવા તૈયાર થઇ જતાં હિરેનભાઇએ તુરત જ ૧૦૮ને ફોન કરી લાભુમા ને રાજકોટ ખાતે સીવીલ હોસ્પીટલમાં કોવીડ-૧૯ની સારવાર માટે દાખલ કરાવ્યા ત્યાં સઘન તબીબી સારવાર બાદ સમરસ હોસ્ટેલ ખાતે તેઓને ટ્રાન્સફર કરાયા. આ દરમીયાન માતાની ચીંતામાં વ્યગ્ર એવા જેન્તીભાઇને હિરેનભાઇ તેમની માતાના સમાચાર ફોન પર મેળવી સતત આપતા રહેતા હતા આ ઉપરાંત તેઓને પણ મોબાઇલ કોલીંગ હેલ્પ લાઇનના ઉપયોગ વડે તેઆની માતા સાથે હરુભરૂ વાતચીત કરાવી આપતા તેઓને માતાના ક્ષેમકુશળ હોવાની માહિતી મેળવી આપતા. સીવીલ હોસ્પીટલ અને સમરસ હોસ્ટેલ ખાતેની સારવાર મેળવી ૭૫ વર્ષીય લાભુમા હેમખેમ તા. ૨૪મી એપ્રીલના રોજ સ્વગૃહે પરત ફરતા જેન્તીભાઇના હૈયે ટાઢક વળી.
       સમયસુચકતા અને જાગૃત એવા કર્મશીલ હિરેનભાઇને કારણે લાભુમાને નવજીવન મળતાં લાગણીસભર બની હિરેનભાઇનો તથા આરોગ્ય વિભાગનો દિલથી આભાર વ્યકત કરતા હિરેનભાઇએ તેઓને ઇશ્વરે પોતાને ફરજ નિભાવવાની તક આપવા બદલ આભાર માન્યો. આમ માખાવડના આરોગ્ય કર્મીશ્રી હિરેનભાઇની સમયસુચકતા અને સતર્કતા સાથે કાર્ય પ્રત્યેની નિષ્ઠાએ ૭૫ વર્ષીય લાભુમાને નવજીવન મળ્યું.
       સાંગણવા પેટા આરોગ્ય કેન્દ્રના હિરેનભાઇ કહે છે કે કોરોના હોવાના કોઇપણ પ્રાથમિક લક્ષણો જણાય કે આરોગ્યલક્ષી તકલીફ જણાય તો તુરતજ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જરૂરી છે. જેથી ત્વરિત નિદાન અને સમયસરની સારવારથી મહામુલી માનવજીંદગી બચાવી શકાય.

Related News