સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને ‘સૌની’ યોજનાની  લિંક કેનાલો દ્વારા નર્મદાના નીર અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ

BREAKING NEWS Publish Date : 19 March, 2021 09:18 PM


સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને ‘સૌની’ યોજનાની 
લિંક કેનાલો દ્વારા નર્મદાના નીર અપાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ


સૌરાષ્ટ્રના ૫૦ જળાશયો, ૧૦૦ થી વધુ તળાવો અને 
૫૦૦ થી વધુ ચેકડેમો નર્મદાના નીરથી ભરાશે 


નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરી સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાના પાણી માટે સૌની યોજનાની લિંક કેનાલ દ્વારા નર્મદાનું નીર આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. 
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલ પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો દ્વારા સિંચાઈ માટે પાણીની માંગણી કરાતાં રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. જે મુજબ સૌની યોજનાની ચારેય લીંક મારફતે તેમજ ગોમા-સુખભાદર પાઇપલાઇન મારફતે સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, મોરબી, અમરેલી, જુનાગઢ અને જામનગર જિલ્લાના જળાશયો/ચેકડેમો/તળાવો ભરવા માટે લીંક-૧ માટે મચ્છું-૨ જળાશય ખાતે ૩૭૫ મીલીયન ઘનફુટ, લીંક-૨ માટે લીંબડી ભોગાવો-૨ (વડોદ) જળાશય ખાતે ૧૮૭૫ મીલીયન ઘનફુટ, લીંક-૩ માટે ધોળીધજા ડેમ ખાતે ૪૫૦ મીલીયન ઘનફુટ, લીંક-૪ માટે લીંબડી ભોગાવો-૨ (વડોદ) જળાશય ખાતે ૧૦૫૦ મીલીયન ઘનફુટ અને ગોમા-સુખભાદર પાઇપલાઇન માટે ૨૫૦ મીલીયન ઘનફુટ મળી કુલ-૪૦૦૦ મીલીયન ઘનફુટ નર્મદાના નીર પૂરક સિંચાઇ અને પીવાના પાણી માટે છોડવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. 

Related News