રાજકોટ : હડાળાથી આજીડેમ જતી મુખ્ય લાઈનમાંથી પાણી ચોરીનું કારસ્તાન સામે આવ્યું  પાણી ચોરોએ વાલ્વ તોડતા રેલમછેલ

TOP STORIES Publish Date : 02 April, 2021 03:15 PM

રાજકોટહડાળાથી આજીડેમ જતી મુખ્ય લાઈનમાંથી કારસ્તાન સામે આવ્યું  પાણી ચોરોએ વાલ્વ તોડતા રેલમછેલ

રાજકોટમાં ઉનાળો શરૂ થાય એટલે લાઈન તૂટવા કે તોડી નાખવાની ઘટનાઓ સામાન્ય રૂપથી બનતી રહે છે , હડાળા પાસે પાણી ચોરી માટે લાઈન તોડી નાખવાની આવી જ એજ તાજી ઘટના ઘટી છે જોકે લાઈન તોડી નાખવાની જાણ થતા જ તંત્ર દોડ્યું હતું, ,રાજકોટમાં ગરમીનો પારો 42 ડીગ્રીને પાર થઈ ગયો છે. મનુષ્યથી લઈને પશુઓમાં પાણીની જરૂરિયાત વધવા લાગી છે. જ્યારે સાથો સાથ પાણીચોરો પણ ફરી વખત સક્રિય બન્યા છે. મનપાની પાઈપલાઈનમાં ભંગાણ કરી પાણીચોરી વેચાણ કરતાં હોવાની વાતને ફરી વખત સમર્થન મળ્યું છે. આજે સવારે હડાળાથી આજીડેમ જતી નર્મદાની મુખ્ય સપ્લાય પાઈપલાઈનના વાલ્વમાં છેડછાડ કરી પાણીચોરી કરવાનો પ્રયાસ કરાતા વાલ્વ તૂટી જતા પાણીના ફુવારાઓ ઉડ્યા હતા.  ફુલ ફોર્સથી પાણીનો વેડફાટ થતાં રોડ ઉપર પાણી રેલમછેલ જોવા મળ્યું હતું. બનાવની જાણ મનપાના વોટર વર્કસ વિભાગને થતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવની તપાસ શરૂ કરી વાલ્વ રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું હતું.


શહેરના ઈસ્ટ ઝોનમાં આજી ડેમ પાસે આવેલ સિંહ સવર્ધન કેન્દ્ર પાસેથી પસાર થતી હડાળાથી આજીડેમ આવતી વધારાનું પાણી સપ્લાય કરવાની મુખ્ય પાઈપલાઈનના વાલ્વમાં છેડછાડ કરી પાણી ચોરી કરવાનો પ્રયાસ અમૂક શખ્સોએ કરતાં વાલ્વની દોરી તૂટી જવાથી લાઈનમાં ભંગાણ થયું હતું. પરિણામે પાણીનો ઉંચો ફુવારો થતાં પાણીચોરો નાશી છૂટ્યા હતા. ફુલફોર્સથી પાણી બહાર નિકળતાં આજુબાજુ રોડ ઉપર તળાવડા ભરાયા હતા. આ બાબતની જાણ વોટર વર્કસ વિભાગને થતાં તેઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા અને વાલ્વ રિપેરીંગ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. આ બાબતે વોટર વર્કસ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, આજીડેમથી હડાળા વધારાનું પાણી સપ્લાય કરવા માટે આ લાઈન નાંખવામાં આવી છે. આ લાઈનમાંથી પાણી વિતરણ કરવામાં નથી આવતું. ફકત પાણીની વધઘટ બેલેન્સ કરવા માટે લાઈન નાંખવામાં આવી છે. કાયમી હડાળાથી આજી વોટર વર્કસ ખાતે પાણીની આપ-લે કરવામાં આવતી હોય છે. આ લાઈન નિર્જન વિસ્તારમાંથી પસાર થતી હોય અનેક વખત પાણીચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે પણ વહેલી સવારે લાઈનના મુખ્ય વાલ્વમાંથી પાણીચોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરિણામે વાલ્વ ક્ષતિગ્રસ્ત થતાં પ્રેસરથી આવતું પાણી બહાર વહેવા લાગ્યું હતું. પરિણામે અજાણ્યા શખ્સો ત્યાંથી નાશી છૂટ્યા હતા. ત્યારબાદ કોઈ નાગરિકે આ બાબતની જાણ વોટર વર્કસ વિભાગને કરતાં રિપેરીંગ કામ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.


આજીડેમ પાસે નર્મદાની પાઈપલાઈનમાં પાણીચોરી કરવાનો ફરી એક વખત પ્રયાસ થતાં વોટર વર્કસ વિભાગના અમૂક કર્મચારીઓએ જણાવેલ કે, આ સ્થળે અનેક વખત પાણી ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યારે એક બે વખત પાણીચોરી કરતાં લોકોને ઝડપવામાં પણ આવ્યા છે. પરંતુ, દરેક વખતે આ લોકો એક ફોનથી છૂટી જતાં હોય છે. વર્ષોથી નર્મદાની મુખ્ય પાઈપલાઈન તેમજ નિર્જન વિસ્તારમાં આવેલી લાઈનોમાંથી પાણીચોરી કરવાનું કારસ્તાન ચાલતું રહ્યું છે. જેમાં વોટર વર્કસ વિભાગના અમૂક કર્મચારીઓ પણ સંડોવાયેલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છતાં આ પ્રકારની અનેક લાઈનોને ભૂગર્ભમાં એટલે કે જમીનમાં દાટવામાં નથી આવી. પરિણામે પાણીચોરોને મોકળુ મેદાન મળી જતું હોય છે. આજના બનાવની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

 

 

Related News