કોરોનાનો કપરો કાળ : સરવૈયુ એક વર્ષનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં કોરાનાના ૧૪,૯૯૬ દર્દીઓની સુશ્રુષા

TOP STORIES Publish Date : 17 March, 2021 10:16 PM

રાજકોટ

જે રીતે મા ભોમની રક્ષા માટે હાકલ પડે અને આપણા વીર જવાનો પળનોય વિલંબ કર્યા વિના તેમનું કર્તવ્ય બજાવવા કટીબધ્ધ બની જાય છે, તેવી જ રીતે કોરાનાની વૈશ્વીક મહામારીના સમયમાં સરકારી તબીબો અને નર્સીંગ સ્ટાફ સહિતના આરોગ્યકર્મીઓ તેમના શ્રેષ્ઠતમ કાર્ય દ્વારા સમાજને કોરોનામૂક્ત બનાવવાનું સંનિષ્ઠ કાર્ય કરી રહયાં છે. 
રાજકોટમાં કોરાનાની એન્ટ્રી થયાને એક વર્ષ થયું છે, ત્યારે રાજકોટની પંડિત દીનદયાળ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જે કામગીરી થઇ છે તે બિરદાવવાને લાયક છે. કોરોનાના સંક્રમણને નાથવા દર્દીઓની ઉત્તમ સેવા – સુશ્રુષા થકી સરકારી હોસ્પિટલના સમર્પિત ભાવે કાર્યરત ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓની સેવા ભાવનાએ કોરોનાના એક વર્ષ દરમિયાન અનેક લોકોને નવજીવન બક્ષ્યુ છે.
રાજય સરકારના આરોગ્ય વિભાગના સંકલન હેઠળ તેમજ રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં કોરાનાને કાબુમાં લેવા શ્રેણીબધ્ધ પગલા લેવાયા હતા અને હજુ પણ કોરાનાના સંક્રમણને ધ્યાને લઈ સેવાના મંત્ર સાથે  કામગીરી થઇ રહી છે. વાત કરીએ કોરાનાના પ્રારંભિક તબકકાની. તે સમયમાં કોરોનાનો એક પણ કેસ સોસાયટીમાં આવે તો લોકો ભયભીત થઇ જતા હતા તેવા સમયે સરકારી તબીબો  અને સ્ટાફે જરા પણ વિલંબ કર્યા વગર પીપીઇ કીટમાંથી પડતા પરસેવા વચ્ચે કોરોનાગ્રસ્ત દરદીની પાસે જઇને તેની સારવાર કરી.. લોકડાઉનમાં લોકો ઘરમાં પરિવાર વચ્ચે રાહતનો શ્વાસ લેતા હતા તેવા સમયે આરોગ્ય કર્મીઓ હોસ્પિટલમાં તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતા હતા.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં માત્ર રાજકોટ જિલ્લાના જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોરોનાના કારણે ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓ સારવાર માટે આવતા અને દર્દીઓની સંખ્યા પણ વધતા જતા અંતે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં એક તબક્કે  ૫૬૨ બેડની વ્યવસ્થા કરી તમામને સારવાર આપવામાં આવી. 
સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાંથી પણ નર્સીંગ સ્ટાફ, તબીબો રાજકોટ સેવા માટે આવ્યા.. કોઇ બહેન તેના ૫- ૬ માસના સંતાનને ઘરે મુકી આવી ... તો કોઇ વખત તબીબ દંપતિ બન્ને ડયુટીમાં હોય તો પાડોસીઓ તેના ઘરે બાળકો માટે જમવાનું બનાવતા... કોઇની માતા ડાયાલીસીસ પર હોય તો પણ પહેલા ફરજને મહત્વ આપ્યું....આવા તો અનેક ફરજ નિષ્ઠાના ઉદાહરણો જોવા મળ્યા.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમ્યાન રેસીડેન્ટ તબીબો સહિત ૧૬૨ લોકોને, નર્સીગ સ્ટાફના ૧૪૬ વ્યક્તિઓને અને અન્ય સ્ટાફના ૧૨૫ લોકો મળી કુલ ૪૩૩ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સોને કોરાનાનો ચેપ લાગ્યો. ૧૩ તબીબ દંપતિ પણ સંક્રમિત થયા પણ સાજા થઇને સેવામાં લાગી ગયા. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ કહે છે, કોરાનાના અંત સુધી અમે થાકીશુ નહી. દર્દીની સેવા એજ સરકાર, તંત્ર અને તબીબી સ્ટાફનો મંત્ર છે.
એક વર્ષમાં રાજકોડ કોવીડ હોસ્પિટલમાં કોરાના અને શંકાસ્પદ લાગતા લોકોની ઓપીડીની સંખ્યા ૪૮,૩૦૫ ની છે. ઇન્ડોર કુલ ૧૪,૯૯૬ દર્દીને સારવાર આપવામાં આવી છે. ૯,૫૭૯ ને ડીસ્ચાર્જ અને ૩,૦૪૦ને  સમરસ સહિતના કોવીડ કેર સેન્ટરમાં અને ઓછી અસર ધરાવતા લોકોને હોમ આઇસોલેટેડ  કરવામાં આવ્યા હતા. બાકી સિવિલ ઉપરાંત  મહાનગરપાલિકા વિસ્તારની તે સમયની ૨૮ હોસ્પિટલ મળી અત્યાર સુધીમાં ૧૬,૫૦૦ થી વધુ દર્દીઓ કોરાનાથી સ્વસ્થ થઇ સ્વગૃહે પરત ફર્યા છે. નોન કોવીડમાં ૬,૬૬,૨૯૧ દર્દીઓની ઓપીડી નોંધાઇ છે. રાજય સરકારે કોરાનાના કહેર વચ્ચે અન્ય દર્દીઓની સારવાર અટકવા દીધી નથી. અન્ય રોગના રાજકોટ સિવિલમાં ૨૭,૪૪૫ ઓપરેશનો  અને ૬,૬૩૫ પ્રસુતા બહેનોની ડીલીવરી પણ કરવામાં આવી છે.
લોકડાઉનમાં ધંધા રોજગાર બંધ હતા, ત્યારે સરકારી હોસ્પિલમાં તમામ સુવિધા સાથે મોંઘા ઇન્જેકશન વિના મુલ્યે આપવા સહિતની સારવારથી, વિનામુલ્યે અનાજ વિતરણ, સહાય વિગેરે કામગીરી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન માર્ગદર્શન હેઠળ અન્ય જિલ્લાની જેમ રાજકોટ જિલ્લામાં પણ લોક સહકાર હાથ ધરવામાં આવ્યું હતુ જેના કારણે લાભાર્થીઓને મોટી રાહત થઇ હતી.
     કોરાનાને એક વર્ષ થયું છે પણ હજુ કોરાના ગયો નથી, ત્યારે સાવચેતી જરૂરી છે. પરિવારના સભ્યોને જાગૃત કરી માસ્ક પહેરવા, ભીડમાં ન જવા અને વારંવાર સાબુ – સેનેટાઈઝથી હાથ સાફ રાખવા સહિતની તકેદારી રાખવી જરૂરી છે.

Related News