શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે મહિલા પોલીસ ચોકી દુર્ગાશક્તિ ભરોસા કેન્દ્રનાં લોકાર્પણ

BREAKING NEWS Publish Date : 09 March, 2021 09:01 PM

રાજકોટ શહેર પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
********
શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે મહિલા પોલીસ ચોકી દુર્ગાશક્તિ ભરોસા કેન્દ્રનાં લોકાર્પણ : વરિષ્ઠ મહિલાઓ માટે સંભાળ યોજનાનો શુભારંભ મહિલા સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકારે અનેક યોજના અમલમાં મુકી છે- શ્રીમતી અંજલીબેન રૂપાણી


રાજકોટમાં ૧૬ સ્થળો પર દુર્ગાશક્તિ ભરોસા કેન્દ્રો ઉભા કરાશે 
રાજકોટની ૩૦૦ સિનિયર સીટીજન મહિલાઓને દુર્ગાશક્તિ બહેનો રૂબરૂ મળશે
દુર્ગાશકિતની કામગીરીને લીધે રાજકોટમાં મહિલાઓ અંગેના ગુનાઓમાં ૨૭ ટકાનો ઘટાડો 
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં દુર્ગાશકિત બહેનોનું સન્માન


રાજકોટ 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટ શહેર પોલીસ દ્વારા મહિલાઓ માટે ખાસ પોલીસ ચોકી  ‘દુર્ગાશક્તિ ભરોસા કેન્દ્ર’ નું લોકાર્પણ અને વરિષ્ઠ મહિલાઓ માટે ‘સંભાળ યોજના’ નો શુભારંભ શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે તથા કલેકટર શ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ તેમજ મહિલા અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટ શહેર પોલીસ હેડ કર્વાર્ટર ખાતે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રીમતી અંજલીબેન રૂપાણીએ જણાવ્યું હતું કે, સમાજના કે રાજયના વિકાસમાં મહિલાઓનું યોગદાન છે. ગુજરાતમાં મહિલા સશકિતકરણની દિશામાં અનેક યોજના અને પગલા લેવામાં આવ્યા છે. તેમણે બહેનોને આપણે જ દુર્ગા, લક્ષ્મી છીએ તેમ જણાવીને તેઓએ મહિલાઓને સશકત થવા, આત્મનિર્ભર થવા, વિકાસના ભાગીદારી બનવા અને સંસ્કારી સમાજના નિર્માણમાં પાયારૂપ ભૂમિકા ભજવવા પર ભાર મુકયો હતો. મહિલાઓ માટે આજનો એક દિવસ જ નહી પરંતુ વર્ષના દરેક દિવસ મહત્વના છે. મહિલાઓના ઉત્કર્ષ માટે સરકાર અને સમાજ અને સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહયા છે તેના ખૂબ સારા પરિણામો મળ્યા છે તેમ જણાવી રાજકોટ પોલીસની એવોર્ડ વિજેતા બહેનો અને પોલીસ પરિવારને અભિનંદન આપ્યા હતા. 
આ પ્રસંગે કલેકટર શ્રી રેમ્યા મોહને જણાવ્યું હતું કે રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા બહેનોના ઉત્કર્ષ માટે અનેક યોજના અમલમાં મુકવામાં આવી છે. બેટી બચાવો, બેટી પઢાવો, વ્હાલી દીકરીથી માંડીને મહિલાઓ માટે ઘણી સારી યોજનાઓ છે. નારીઓના ગૌરવ માટે અને ઉત્કર્ષ માટે સૈાની ભાગીદારીની આવશ્કતા દર્શાવી બહેનોએ કરેલી પ્રગતિ અંગે હર્ષની લાગણી વ્યકત કરી હતી. રાજકોટની દુર્ગાશકિતની બહેનોની કામગીરીને આવકારી હતી. 
પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું કે એક વર્ષ પહેલા શ્રીમતી અંજલીબેન રૂપાણીના હસ્તે દુર્ગાશકિતની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. લોકડાઉન દરમ્યાન રાજકોટ શહેરની મહિલા પોલીસે સંવેદનાસભર કામગીરી કરી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમજ ફરજ પ્રત્યે નિષ્ઠાપુર્વક કામગીરી કરીને મહિલા પોલીસની સિધ્ધિઓ જણાવી હવે દુર્ગાશક્તિ ભરોસા  કેન્દ્રનું લોકાર્પણ અને વરિષ્ડ મહિલાઓ માટે ‘સંભાળ યોજના’ નો શુભારંભ થતા આ પ્રોજેકટમાં પણ સારામાં સારી કામગીરી કરાશે તેમ જણાાવ્યું હતુ. રાજય સરકારની જેમ રાજકોટ પોલીસ પણ પારદર્શિતા, સંવેદનશિલતા, પ્રગતિશિલતા અને નિર્યાણકતાના ચાર આધાર સ્તંભ પર કામ કરી રહી છે, તેમ જણાવ્યું હતુ.
નારી ગૈારવને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં રાજકોટ શહેર પોલીસની મહિલા પોલીસની દૂર્ગાશકિતની બહેનો દ્વારા જુડો કરાટેના દાવ, આંખે પાટા બાંધીને એકે ૪૭ સહિતની રાયફલ્સને ખોલીને બંધ કરવી તેમજ શકિતસ્વરૂપ ભારત માતા, મા દુર્ગા, ઝાંસીની રાણી સહિતની મહિલા વિરાંગના અને સેના, પોલીસ તથા તબીબી  સહિતના ક્ષેત્રોમાં મહિલાઓના પ્રદાન અને ભારતના ભવ્ય શકિતસ્વરૂપ વારસાની ઝાંખી કરાવતું  સંગીતમય નાટક રજુ કરવામાં આવ્યું હતું. લોક ગાયક શ્રી  કિર્તીદાન ગઢવીએ લાડકી દીકરી ગીત રજુ કરી નારી તુ નારાયણીની ગાથા રજુ કરી હતી. 
આ પ્રસંગે રાજકોટ શહેરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તેમજ લોકડાઉનમાં સંવેદનાસભર પ્રજાના મિત્ર બનીને સેવાકીય કામગીરી કરનાર મહિલા પોલીસને તેમજ પોલીસની કામગીરીમાં સહાયરૂપ બનનાર બહેનોને મહાનુભાવોના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સાયબર બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં માહિતીખાતા દ્વારા મહિલાઓ અને બાળ કલ્યાણ  યોજનાઓ અંગેના પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજકોટમાં જયાં મહિલાઓની વધારે અવર જવર રહે છે તેવા ૧૬ સ્થળો પર ભરોસા કેન્દ્ર ઉભા કરાશે. જેમાં દુર્ગાશકિતની બહેનો સેવા આપશે. આ ઉપરાંત સીનીયર સીટીઝન બહેનોની મુલાકાત લેવામાં આવશે. પ્રારંભિક તબક્કે ૩૦૦ બહેનોની મુલાકાત લઇ તેમની મદદ કરાશે.
આ પ્રસંગે પુર્વ મેયર શ્રી બીનાબેન આચાર્ય, પુર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર શ્રી ભાનુબેન બાબરીયા, અગ્રણી શ્રી નિતિનભાઇ ભારદ્વાજ, આઇ.જી શ્રી સંદીપ સિંઘ, જેસીપી શ્રી અહેમદ ખુર્શીદ, એસ.પી. બલરામ મીના, જેલ અધિક્ષક શ્રી બન્નો જોશી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, શ્રી પ્રવીણકુમાર તેમજ મહિલા કોર્પોરેટરો, અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

Related News