સમરસમાં પુસ્તક પરબ, હકારાત્મક વિચારોની સરવાણીનો પ્રારંભ

SAURASHTRA Publish Date : 28 April, 2021 07:42 PM

સમરસમાં પુસ્તક પરબ, હકારાત્મક વિચારોની સરવાણીનો પ્રારંભ...

એમ.એસ.ડબલ્યુ. ની ટીમ દ્વારા નવતર પ્રયોગ : ૬૦૦ થી વધુ પુસ્તકો દ્વારા દર્દીઓને સકારાત્મક વિચારોની સાથે મનોવજ્ઞાનિક સધિયારો

હકારાત્મક પુસ્તકોથી દર્દીઓમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર થશે: નીલધારા રાઠોડ (સાઈકિયાટ્રીક સોશિયલ વર્કર)
આધ્યાત્મિક, ધાર્મિક, પોઝિટિવ થીંકીંગ, નવલકથા અને વાર્તાઓના પુસ્તકો બન્યા દર્દીઓના સાચા મિત્ર


રાજકોટ તા. ૨૮ એપ્રિલ

કોરોનાના દર્દીઓને ઓક્સિજનની સારવાર સાથોસાથ હકારાત્મક વિચારથી મનોબળ મજબૂત બને તે માટે સમરસ ડેડીકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર ખાતે પુસ્તક પરબ શરુ કરાયું છે. ૬૦૦ થી વધુ વિવિધ કેટેગરીના પુસ્તકો દર્દીઓમા નવી હકારાત્મક ચોક્કસ ઉર્જા પુરી પાડશે તેમ જણાવે છે પુસ્તક પરબના પ્રણેતા અને સાઈકિયાટ્રીક સોશિયલ વર્કર અને સમરસ ખાતે એમ.એસ. ડબ્લ્યુ ટીમના હેડ નીલધારા રાઠોડ.
અમદાવાદ સિવિલ કોવીડ હોસ્પિટલ ખાતે એક વર્ષથી વધુ સમય સેવા આપી ચૂકેલ નીલધારા સમરસ ખાતે પુસ્તક પ્રયોગ શરુ કરવા અંગે  જણાવે છે કે, સમરસ ખાતે દર્દીઓને મનોવજ્ઞાનિક હૂંફ પુરી પાડવા આ પૂર્વે વિડીયો કોલિંગ અને કાઉન્સેલિંગની સુવિધા શરુ કરવામાં આવી હતી. દર્દીઓમાં નિરાશા કે નકરાત્મક ભાવ ન આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અમે જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનને પુસ્તકોથી હકારાત્મક વિચારોમા દર્દીઓને ગુંથાયેલા રાખવાની વાત કરી. જેનો કલેક્ટરશ્રી તેમજ અધિક કલેકટરશ્રી મેહુલ દવેએ હકારાત્મક પ્રતિભાવ આપતા સમરસ ખાતે પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ અને ડોક્ટર્સ દ્વારા અમારી ટીમે આ કાર્ય શરુ કર્યું.
અમદાવાદની મેન્ટલ હેલ્થ ફોર સિવિલ (પી.એસ.ડબલ્યુ), અર્પણ નાયક તેમજ સંસ્થાઓ અને દાતાઓ દ્વારા ભેટ આપવામાં આવેલી આ બુક્સ રાજકોટ સિવિલ ખાતે તેમજ સમરસ ખાતે લાવવામાં આવી છે.  આધ્યાત્મિક, ધાર્મિક , પોઝિટિવ થીંકીંગ, નવલકથા અને વાર્તાઓની વિવિધ પુસ્તિકાઓ અમે દર્દીઓની રસરુચિ મુજબ પુરી પાડીએ છીએ, તેમ શ્રી નીલધારા જણાવે છે. 
દર્દીઓ તેમનો સમય અન્ય વિચારોમાં પસાર કરતા હતા તેને બદલે હવે તેઓ પુસ્તક વાંચનની પ્રવૃતિમાં જોડાઈ ગયા છે. પરિણામે તેમનું મન કોરોનાના વિચારોમાંથી બહાર આવી અન્ય દિશામાં વળ્યું છે, જેનાથી તેમની તબિયતમાં ઝડપી સુધારો આવશે તેવો આશાવાદ નીલધારા અને તેમની ટીમે વ્યક્ત કર્યો છે.. કહેવાય છે કે એક સારું પુસ્તક  સો મિત્રની ગરજ સારે છે, ત્યારે અહીં તો ૬૦૦ થી વધુ પુસ્તકો દર્દીઓના સાચા મિત્ર બનવા જઇ  રહ્યા છે.  હાલ સમરસ ખાતે ડો. મેહુલ પરમાર, ડો. કેતન પીપળીયા, ડો. જયદીપ ભૂંડિયાની અધ્યક્ષતામાં ૧૦૦૦ થી વધુ દર્દીઓ કોરોના સામે લડત આપી રહ્યા છે ત્યારે પુસ્તકો સાથેનો મનોવૈજ્ઞાનિક પ્રયોગ સારવારમાં નવો આયામ પૂરો પાડશે, તેમ ચોક્કસ કહી શકાય.

Related News