દુર્ઘટના નિવારવા નવ માળની સમરસ હોસ્પિટલમાં રક્ષણાત્મક જાળી નખાઇ

RAJKOT-NEWS Publish Date : 28 April, 2021 07:44 PM

દુર્ઘટના નિવારવા નવ માળની સમરસ હોસ્પિટલમાં રક્ષણાત્મક જાળી નખાઇ, નાની બાબતે પણ કચાશ ન રહી જાય તે બાબતની દરકાર કરતું સંવેદનશીલ જિલ્લા વહીવટીતંત્ર

રાજકોટ તા. ૨૮ એપ્રિલ

 કોરોનાનો મૃત્યુદર માત્ર બે થી ત્રણ ટકાનો જ હોવા છતાં કોરોનાના દર્દીઓ હતાશાનો શિકાર બનીને ન કરવાનું કરી બેસતા હોય છે, ત્યારે રાજકોટના કોરોનાના દર્દીઓ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કાર્યરત કરાયેલી નવ માળની સમરસ હોસ્પિટલમાં હતાશાનો ભોગ બનેલ દર્દી દૂર્ઘટના ન આચરી બેસે તે માટે રક્ષણાત્મક જાળી બેસાડવામાં આવી છે.
        રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર નાનામાં નાની બાબતોની પણ દરકાર કરીને કેટલી અમૂલ્ય માનવીય ફરજ બજાવી રહયું છે, તેનું આ જીવંત ઉદાહરણ છે. કોરોનાની નિરાશાનો ભોગ બનેલ એક મહિલા દર્દીએ તાજેતરમાં લીધેલ એક અફસોસજનક પગલાં બાદ કલેકટરશ્રી રેમ્યા મોહને અન્ય દર્દીઓ આવી હતાશાનો શિકાર બનીને કોઇ અવિચારી કૃત્ય ન કરી બેસે તે માટે સમગ્ર પરિસરની આજુબાજુ સંરક્ષણાત્મક જાળી નાખવાના આદેશો કર્યા છે, જે મુજબ શહેર માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી નિતિશભાઇ કામદારના માર્ગદર્શનમાં માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં પહેલા તથા ચોથા માળે તાત્કાલિક અસરથી જાળી ફીટ કરી દેવામાં આવી છે. સમરસ હોસ્પિટલના નોડલ ઓફિસરશ્રી ચરણસિંહ ગોહિલે જાતે દેખ-રેખ રાખીને જાળી લગાવવાનું આ કામ યુધ્ધના ધોરણે પાર પાડયું છે. આ જાળીથી દુર્ઘટના બનતી અટકશે, ઉપરાંત, ફાયર સેફટીમાં પણ આ જાળી મહત્વની પુરવાર થશે.
        જિલ્લા વહીવટીતંત્રના માનવીય અભિગમનો આ ઉત્તમ નમૂનો છે, જેમાં કોરોનાના દર્દીઓનો  ઝીણવટભર્યો ખ્યાલ રાખીને તેમને પુનઃ સ્વસ્થ થવા માટે સહ્રદયતાથી મદદ કરવામાં આવે છે

Related News