ડાયાબિટિસ-બીપી ધરાવતા વિરનગરના વૃધ્ધે રાજકોટની કોવિડ હોસ્પિટલની સારવારથી કોરોનાને ભગાડયો

SAURASHTRA Publish Date : 27 April, 2021 08:22 PM

ડાયાબિટિસ-બીપી ધરાવતા વિરનગરના વૃધ્ધે રાજકોટની કોવિડ હોસ્પિટલની સારવારથી કોરોનાને ભગાડયો

સરકારી સારવારમાં વર્ષોથી છે, અટલ વિશ્વાસ
મને કોરોનાની અને મારા પુત્રને ગંભીર અકસ્માતની શ્રેષ્ઠ સરકારી સારવાર 
મળતાં સ્વસ્થ થયા છીએ


રાજકોટ, તા.૨૭ એપ્રિલ

વિરનગર ૬૪ વર્ષના નિવૃત સુથાર શાંતિભાઇ ડાયાભાઇ સરદેસાને ૬ વર્ષથી ડાયાબિટિસ અને બીપી છે, તેમની દવા પણ તેઓ રાજકોટની જ સરકારી હોસ્પિટલમાંથી જ લે છે. આ દવાઓથી તેમની તબિયત સારી રહે છે. પરંતુ તાજેતરમાં તેમનું ડાયાબિટિસ થોડું વધી જતાં તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રૂટિન દવા લેવા આવ્યા હતા. ત્યાં ડોકટરોએ તપાસ બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો. કોરોના પોઝિટિવ આવતા તેઓને કોવિડ હોસ્પિટલમાં દાખલ કરાયા. તેઓને સિવિલની કોવિડ હોસ્પિટલમાં બે દિવસ દાખલ કરાયા. અને ત્યાંથી તે પછીની સારવાર માટે કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દસ દિવસ સુધી રહયા. આમ કુલ બાર દિવસની સારવાર બાદ તેઓ સ્વસ્થ થઇને ફરી ઘરે આવી ગયા છે.કોરોનાની સારવારના અનુભવ વિશે શાંતિભાઇ કહે છે કે, સરકારી કોવિડ હોસ્પિટલમાં મારી ખુબ સારી સારવાર કરી છે. આ માટે હું ડોકટર, નર્સ સહિતના સ્ટાફને ધન્યવાદ આપુ છું. મને ખુબ સાચવ્યો છે. આવી જ સુંદર સેવા બીજા દર્દીઓની પણ કરવામાં આવે છે જે જોઇને આનંદ અનુભવુ છુ.
મને, મારા પુત્ર અને મારા સમગ્ર પરિવારને સરકારી સારવારમાં જ ખુબ વિશ્વાસ છે. એક તો મારી ડાયાબીટીસની દવા વર્ષોથી હું રાજકોટની હોસ્પિટલમાં કરાવું છુ, બીજુ એ કે કોરોનામાંથી પણ સાજો મને સરકારી સારવારે કર્યો. અને ત્રીજુ એ કે મારા ૪૩ વર્ષના એક માત્ર પુત્રનો ગંભીર અકસ્માત ત્રણેક વર્ષ પહેલા થયો હતો. આ અકસ્માતમાં મારા પુત્ર જિતેષની સારવાર અને ઓપરેશન પણ રાજકોટની જ સરકારી હોસ્પિટલમાં કરાઇ હતી. અને આજે મારો પુત્ર સ્વસ્થ છે. આમ મને વર્ષોથી સરકારી સારવારના સુખદ અનુભવ જ રહયા છે

Related News