યુવા જાગે કોરોના ભાગે, વેક્સિનેશનમાં સૌથી વધુ યુવાઓએ દેખાડ્યો ઉત્સાહ ;જીતશે ગુજરાત 

TOP STORIES Publish Date : 02 May, 2021 11:34 AM

યુવા જાગે કોરોના ભાગે, વેક્સિનેશનમાં સૌથી વધુ યુવાઓએ દેખાડ્યો ઉત્સાહ ;જીતશે ગુજરાત 

 
રાજકોટ, 
રાજ્યમાં જયાં કોવીડનું સંક્રમણ વધુ છે તેવા ૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વય ધરાવતાં તમામ લોકોને તા. ૧ લી મે થી રસી આપવાના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં પણ કોરોના રસીકરણનું કાર્ય અભિયાન સ્વરૂપે હાથ ધરવામાં આવ્યું છે... રાજકોટ શહેરમાં શરૂ થયેલ આ રસીકરણ અભિયાનમાં શહેરના ૧૮ વર્ષથી વધુ વયના અનેક લોકોએ રસી મૂકાવી લાભ લીધો હતો. રાજકોટ શહેરમાં રહેતા ડિમ્પલ બાલધા કે જેઓ સારૂં ક્રિકેટ રમવાની સાથે પી.એચ.ડી.નો અભ્યાસ પણ કરી રહયાં છે. તેમણે આજે રસી મૂકાવતાં આનંદ સાથે જણાવ્યું હતુ કે, સરકારે આ ખૂબ જ સારો નિર્ણય કર્યો છે.

મને જ્યારે ખબર પડી કે તા. ૧ લી મે થી ૧૮ વર્ષથી વધુ વયના લોકોને વેકસીન આપવાનું શરૂ કરવામાં આવશે. એટલે મે તુરત જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું અને વેકસીન માટે ૯ વાગ્યાના સ્લોટમાં મને ફાળવવામાં આવેલા સમયે મે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે કાર્યરત રસીકરણ કેન્દ્ર ખાતે જઈને રસી મુકાવી છે. તેમ ડિમ્પલ વધુમાં જણાવે છે...અત્યાર સુધી મોટી ઉંમરના લોકોને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. હવે તેમની સાથો સાથ અમારા જેવા યુવાનોને પણ કોરોના સંક્રમણથી બચાવવા સરકારે આજથી ૧૮ વર્ષની મોટી ઉંમરની વયજૂથના તમામ લોકો માટે રસીકરણનો પ્રારંભ કરાવ્યો છે. તેમ જણાવતાં ડિમ્પલ કહે છે કે, હું બધાને અનુરોધ કરૂં છું કે, તમે સૌ વેકસીન અવશ્ય લેજો. સરકાર જ્યારે કોરોના સામેની લડાઈમાં આપણને સીકરણ માટે મદદ કરી રહી છે, ત્યારે આપણે પણ રસીકરણનો લાભ લઈએ. જો આપણે અત્યારે રસી નહી મૂકાવીએ તો કદાચ ભવિષ્યમાં એવું પણ બની શકે કે આપણે આ જ રસી પૈસા ખર્ચીને મૂકાવી પડે...રસીકરણ એ કોરોના સામે લડવા માટેનું અસરકારક શસ્ત્ર છે, અને આ માટે જ જ્યારે સરકાર ૧૮ વર્ષથી વધુ વય ધરાવતાં પ્રત્યેક લોકોને કોરોના સામેના આ અસરકારક શસ્ત્રથી રક્ષિત બનાવાનું કાર્ય કરી રહી છે તો આપણે સૌએ પણ સરકારના આ કાર્યમાં સહભાગી બની રસીકરણ અવશ્ય કરાવીએ. 

Related News