ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્વસ્થની મંગલ કામનાઓ કરતા રાજુભાઇ ધ્રુવ

TOP STORIES Publish Date : 15 February, 2021 12:41 PM

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સ્વાસ્થ્યની મંગળકામનાઓ કરતા ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવ

 ગુજરાતની પ્રજાના આશીર્વાદ - શુભેચ્છા વિજયભાઈને સાથે

 

મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન વિજયભાઈ રૂપાણી એક પણ દિવસની રજા રાખ્યા વિના ગુજરાતની પ્રગતિમાં અવિરત કાર્યરત છે, શ્રી વિજયભાઈ રૂપાણી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જેમ દિવસ-રાત લોકો-પક્ષ ને સમર્પિત કાર્યશૈલી-કાર્યનિષ્ઠા ધરાવે છે 

 

રાજકોટ.

 

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વડોદરાની જાહેરસભા સંબોધતા હતા ત્યારે અચાનક એમનું સ્વાસ્થ્ય બગડ્યું હતું પરંતુ ગણતરીની મિનિટોમાં તેઓ પુનઃ સ્વસ્થ થયા હતા. એમના સારા સ્વાસ્થ્ય માટે ભાજપના સૌરાષ્ટ્ર કચ્છના પ્રવકતા અને વિજયભાઈની સાથે પચ્ચીસ વર્ષથી પણ વધુ સમયથી આત્મીયતાથી સંકળાયેલા રાજુભાઇ ધ્રુવે એમના સારા સ્વાસ્થ્ય માટે મંગળ કામના કરી છે.

 

 

  ભાજપનાં અગ્રણી  રાજુભાઈ ધ્રુવે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તબિયત હાલ સારી છે. મુખ્યમંત્રીશ્રીનું બ્લડ પ્રેશર-લૉ થયું હતું. યુ.એન.મહેતા હોસ્પિટલમાં ડૉક્ટર દ્વારા સારવાર આપવામાં આવતા તેઓ હવે સ્વસ્થ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે અને તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.  સમગ્ર ગુજરાતની જનતાનાં આશીર્વાદ તેમની સાથે છે, તેમનાં સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થનાઓ થઈ રહી છે. તેઓ થોડી કલાકોમાં ઝડપથી સંપૂર્ણ સ્વસ્થ્ય થઈ ફરી એકવાર ગુજરાતનાં વિકાસને અગ્રેસર કરવાની કામગીરી શરૂ કરી દેશે.

 

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી એટલે સરળતા, સંવેદનશીલતા, સેવા અને સહજતા જેવા ઋજુ ગુણોથી શોભતું સૌમ્ય વ્યક્તિત્વ... તેની સાથોસાથ જ નિર્ણાયકતા, નિડરતા, પરિશ્રમની પરાકાષ્ઠા અને હિમ્મત સાથે દૃઢ મનોબળ જેવી નક્કર લાક્ષણિક્તાઓના પીંડથી ઘડાયેલું વ્યક્તિત્વ... સરળતા અને સંવેદનશીલતાની સાથે દૃઢતા અને નિર્ભિક્તાનો સમન્વય ભાગ્યે જ જોવા મળે છે. 

 

વિજયભાઈ એમના નામને પણ સાર્થક કરતા રહ્યા છે. “વિજય” સ્વયંમનો નહીં સૌનો... ગુજરાત અને ગુજરાતની જનતાના વિકાસ અને વિજયનો ભેખ ધરીને સૌના સાથ સાથે સૌના વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સૌના વિકાસનો માર્ગ વિજયભાઈ રૂપાણી પ્રશસ્ત કરી રહ્યા છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી બાદ વિજયભાઈ રૂપાણીનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ ગુજરાતના ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે આલેખાશે જેનું કારણ છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જેમ દિવસ-રાત જન સમર્પિત કાર્યશૈલી. સતત શ્રમ અને પરિશ્રમ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિકાસનાં પંથે અગ્રેસર હતા, છે અને રહેશે.

 

વિજયભાઈ રૂપાણીનું ચાર દાયકા ઉપરાંતનું જાહેર જીવન સંગઠન, સમર્પણ, સેવા અને કર્મઠતાની સાધના સમાન રહ્યું છે.   તેમની આજ કાર્યશૈલીને કારણે આજે ગુજરાતનો વિકાસ અવિરત અને અકબંધ છે. ગુજરાતના ખૂણેખૂણામાં વસતા જનજનના વિકાસ માટે સતત અને સઘન શ્રમ - પરિશ્રમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમની ભાજપ સરકાર કરી રહી છે. દિવસ-રાત કામકાજ કરવાની તેમની પદ્ધતિને કારણે આજે લાંબા ગાળે સ્વાસ્થ્યમાં થોડી અસર જોવા મળી છે પરંતુ ચિંતા જેવી કોઈ જ બાબત નથી.

 

૭ ઓગષ્ટ ૨૦૧૬ના રોજ ગુજરાતનું નેતૃત્વ મુખ્યમંત્રી તરીકે સંભાળ્યું ત્યારથી આજ પર્યંત તેમનો સાડા ચાર વર્ષનો કાર્યકાળ દર્શાવી રહ્યો છે કે, વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રીના પદને સત્તા નહીં બલ્કે જનતાની સેવા કરવાનું માધ્યમ બનાવ્યું છે. આજે ગુજરાતના અદ્વિતીય વિકાસની આગવી ઓળખ ચોમેર ઊભી થઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના કાર્યકાળમાં એક દિવસ પણ રજા લીધી નથી. સરકારી કામકાજ ઉપરાંત પક્ષનાં કામકાજમાં પણ એટલી જ સમર્પિત તેમની કાર્યશૈલી છે. કેબિનેટની બેઠક હોય, પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હોય, ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવાના હોય, સભા-રેલી સંબોધન હોય, નવી યોજનાઓ અને કાયદાઓ ઘડવાના હોય, પ્રવાસો અને મુલાકાતો હોય.. તેઓ ક્યારેય થાક્યા કે હાર્યા નથી. એક પાયાના કાર્યકરથી લઈને ગુજરાતના સૂત્રધાર સુધીની સફર દરમિયાન વિજયભાઈ રૂપાણી મજબૂત મનોબળ સાથે મક્કમતાનો મહામૂલો ગુણ ધરાવતા આવ્યા છે જેનું જ્વલંત ઉદાહરણ ગઈકાલે બનેલી ઘટના છે. તબિયત લથડયા બાદ તરત જ તેઓ ખૂદ ચાલીને હેલિકોપ્ટર સુધી પહોંચ્યા હતા. આજે તો તેઓ ફરી પોતાના કામકાજમાં લાગી જશે એવું લાગી રહ્યું છે. વિજયભાઈ રૂપાણી મજબૂત મનોબળ સાથે તંદુરસ્ત તન-મન ધરાવે છે. કોઈ કારણસર તેમની તબિયત લથડી હતી પરંતુ હવે તેઓ સ્વસ્થ્ય છે અને ચિંતાની કોઈ વાત નથી તેમ જણાવતા રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સ્વાસ્થ્યની મંગળકામનાઓ કરી છે.

 

Related News