શિયાળામાં થતાં પગ અને હોઠના વાઢિયાં મટાડવા રામબાણ છે આ ઈલાજ

લેડીઝ કોર્નર Publish Date : 13 December, 2020 09:35 AM

વાઢિયા માત્ર પગના તળિયે જ થાય છે એવું નથી. હોઠ, સ્તન, મળમાર્ગે, યોનિ, શિશ્ર્ન વગેરે શરીરના અંગો પર પણ થાય છે. ઠંડી અને સૂકી હવાને કારણે વાઢિયા-ચીરામાં વિશેષ દર્દ થાય છે.
શરીરમાં વાયુ વધવાથી અને રુક્ષતાને લઈને પગમાં ચીરા પડે છે. રાળ, ગુગળ, સીંધવ, ગેરુ, ગોળ, ઘી, મીણ અને મધ દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ ધીમા તાપે ઉકાળવું. ઠંડુ પડ્યે બરણીમાં ભરી લેવું. સવારે અને રાત્રે ગરમ પાણીથી પગ ધોઈ આ મલમ લગાડી પાટો બાંધી દેવો. પાણીમાં કે કીચડમાં ચાલવું નહીં. બુટ પહેરી રાખવા, વાયુની વૃદ્ધી કરનાર આહાર-વીહારનો ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા, ઉજાગરા કરવા નહીં.
જેમ વરસાદના અભાવે જમીનમાં તિરાડો પડવા માડે છે તેમ ચામડીમાં પણ તિરાડો પડી જાય છે. આમ, ચામડીના ફાટી જવાની પ્રકિયાને વાઢિયા કહે છે. વાઢિયા થાય ત્યારે ખાસ કરીને ચમાડીમાં ચીરા પડી જતા હોય છે. આ પ્રકારના ચીરાઓ કેટલીકવાર લાંબા સમય સુધી રહે તો તેમાં ખંજવાળ આવે છે. દુ:ખાવો પણ થાય છે.
ચામડીના કોષોને સ્નેહ તત્વ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેનું આયોજન કરવું. શિયાળા જેવી ઋતુમાં વાતાવરણની રુક્ષતાની અસર ચમાડીના કોષો પર ન પડે તે માટે બાહ્ય ઉપચાર તરીકે માલિશ, સનબાથ, સોનાબાથ વગેરે કરી શકાય. આખા શરીરે તલના તેલ કે સરસિયાનું માલિશ કરવાથી ત્વચા કોમળ અને તેજસ્વી બને છે. પગે તેલનું માલિશ કરવાથી પગ મજૂબત થાય છે. ઊંઘ સરસ આવે છે. આંખો નિર્મળ, સ્વચ્છ રહે છે. પગની ત્વચા સંકોચ પામતી નથી કે ફાટી જતી નથી.
પગના તળિયે ગાયના ઘીનું માલિશ કાયમ કરવાથી વાઢિયાથી બચી શકાય છે. ઉપરાંત આંખોની જોવાની ક્ષમતામાં વધારો થાય છે. આંખ અને પગની બળતરા ઓછી થાય છે. ઊંઘ એટલી સરસ આવે કે ધીમે ધીમે ઊંઘની ગોળી બંધ થઈ જાય છે.
જો વાઢિયા થયા હોય તો જાત્યાદિ ઘૃત કે જીવન્તયાદિ-ઘૃતનું પગના તળિયે નિયમિત માલિશ કરવાથી વાઢિયા મટે છે. એ લગાડતાં પહેલા ૧૦ મિનિટ ગરમ પાણીમાં પણ બોળી રાખવાથી ઝડપથી વાઢિયા મટે છે.
સવારે ગરમ દૂધમાં એક ચમચી સાકર સાથે એક ચમચી ગાયનું ઘી ઉમેરીને પીવાથી વાઢિયા મટે છે. વાઢિયામાં અશ્વગંધા, શતાવરી, જેઠીમધ, ડોડી, આમળાં જેવાં રસાયન ઔષધો આપવામાં આવે છે. હળદર, તુલસી અને એલોવેરાનો સપ્રમાણમાં લઈને તેનો લેપ બનાવી ફાટેલી એડી પર લગાવો, બહુ જલદી વાઢીયા અને ચીરાની સમસ્યામાં રાહત મળશે.
દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાંખીને સારી રીતે મેળવો અને વાઢિયા અને ચીરા પર સારી રીતે લગાવો. થોડા જ દિવસોમાં પગની પાની પરના ચીરા રૂઝાઈ જશે.
જ્યારે સ્ત્રીઓ કપડાં ધોતી હોય તે વખતે પગ પર પણ થોડોક સાબુ લગાવી દો અને તેને થોડી વાર બાદ બ્રશથી રગડીને ધોઈ લો. આ સિવાય ઘઉંનો લોટ અને દૂધમાંથી બનાવેલી પેસ્ટને પણ લગાવી શકો છો. આનાથી પગ મુલાયમ રહેશે અને વાઢીયાની સમસ્યા નહીં થાય.
કોઈપણ ક્રિમ કે મોઈશ્ચરાઈઝરની સાથે ટૂથપેસ્ટ મિક્ષ કરીને હળવા હાથે મસાજ કરો, પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલ ભાગમાં પંદર મિનિટ મસાજ કરવું અને પછી પગ ધોઇ લેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા સારાં થવામાં મદદ મળે છે.
જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો, એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો. પછી, રૂના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે.

Related News