સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયા ખાતે ભવ્ય મ્યુઝિયમ નિર્માણ દ્વારા ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા

GUJARAT Publish Date : 18 December, 2020 04:10 AM

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયા ખાતે ભવ્ય મ્યુઝિયમ નિર્માણ દ્વારા ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા

ન્યૂઝ ડેક્સ 


મુખ્યમંત્રી શ્રીવિજયભાઇ રૂપાણીએ દેશની આઝાદી પછીના સમયકાળમાં અખંડ ભારતના નિર્માણ સરદાર વલ્લભભાઇ પટેલના સફળ પ્રયત્નો અને પ્રેરણાથી પોતાના રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરનારા ૫૬૨ રાજા-રજવાડાઓના ગૌરવપૂર્ણ ઈતિહાસને આવનારી પેઢીઓ સુધી અકબંધ રાખવાના હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયામાં ભવ્યાતિભવ્ય મ્યુઝિયમ નિર્માણના કરેલા નિર્ણય અંગે સૌરાષ્ટ્રના રાજવીશ્રીઓના પરિવારજનોએ આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો આભાર વ્યકત કરી સન્માન કર્યુ હતું.  


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજવીઓની સમર્પણ ભાવનાને બિરદાવતાં કહ્યું કે,  પોતાના બલિદાન અને શૌર્ય થકી ઉભા કરેલા રજવાડાઓને ભારત દેશની અખંડિતતા માટે તે સૌએ સમર્પિત કર્યા તે ખુબ જ સરાહનીય છે.
 

         ૫૬૨ રજવાડાઓનો ઈતિહાસ, શૌર્ય અને ગૌરવ ગાથા આવનારી પેઢીઓ માટે આ મ્યૂઝિયમના માધ્યમથી પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહયું કે ભૂતકાળમાં રાજવીઓએ આપેલા પ્રજાવત્સલ સુશાનમાંથી પ્રેરણા લઈને અમે પ્રજા કલ્યાણનાં કાર્યો કરી રહ્યા છીએ...


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના એકત્રીકરણમાં સરદાર સાહેબની પ્રેરણાથી પોતાના રાજ્યો સમર્પિત કરનારા ૫૬૨ રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ બનાવવાની પ્રેરણા આપી હતી તેને ઝડપથી પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
આ ભવ્યાતિભવ્ય ઐતિહાસિક મ્યુઝિયમના નિર્માણ માટેની કમિટીમાં રાજવી પરિવારના સભ્યોની નિમણુક કરવા અંગે પણ સરકાર યોગ્ય વિચાર કરશે એમ તેમણે જણાવ્યું હતું.
  આ મ્યુઝિયમનું નિર્માણ થતાં રાષ્ટ્ર એકતાની ભાવના વધારે દ્રઢ બનશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર કેવડીયાને સંપૂર્ણ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવી રહી છે...
             તાજમહેલ કરતાં પણ વધારે પ્રવાસીઓ કેવડીયામાં સરદાર સાહેબના વિશ્વમાં સૌથી ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા આવી રહ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ થનારા આ મ્યુઝિયમમાં દેશના પ૬ર જેટલા રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે...


સૌરાષ્ટ્રના રાજવીઓની વિવિધ ૧૭ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા મખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.....


આ પ્રસંગે રાજકોટના રાજવી પરિવારના શ્રી માંધાતાસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. ગુજરાત પ્રદેશ શ્રી રાજપુત કરણી સેનાના અધ્યક્ષ શ્રી જે.પી.જાડેજા, અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી પી.ટી.જાડેજા, જિલ્લા રાજપુત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અખિલ ગુજરાત યુવા રાજપુત સંઘના રાજકોટ જિલ્લા પ્રમુખ શ્રી કિશોરસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા....
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી આર.ડી.જાડેજાએ કર્યું હતું

Related News