સગર્ભાવસ્થા સાથે વેક્સિનેટર તરીકે પોતાની સમાજ પ્રત્યેની ભુમિકા અદા કરતા નર્સ હેતલબેન માકડીયા

BREAKING NEWS Publish Date : 11 February, 2021 09:11 PM

રાજકોટ

કોરોનાના કપરા કાળમાં કોરોનાને હરાવવા માટે અનેક ફ્રન્ટલાઈન કર્મવીરોએ પોતાનું યોગદાન આપ્યું છે અને આપી રહ્યા છે. આવા સમયે ફ્રન્ટલાઈન કર્મવીરો પૈકી નર્સ તરીકે સેવા બજાવતા અને છ માસની સગર્ભાવસ્થાને ધ્યાને લઈને હેતલબેન માકડીયા સેવાનો અવસર મળ્યો હોય તેમ માનીને વેક્સિનેટર તરીકે પોતાની સમાજ પ્રત્યેની ભુમિકા અદા કરી રહ્યા છે.
આ તકે હેતલબેન માકડીયાએ જણાવ્યું હતું કે, હું એક નર્સ છું અને છેલ્લા સાત વર્ષથી રાજકોટ સિવિલમાં ખાતે સેવા આપુ છું. કોરોનાના કપરા કાળમાં હું એનેમિયાની બિમારીનો સામનો કરી રહી હતી. મારી આ સમસ્યાના કારણે મને કોરોનાાના દર્દીઓની સેવા કરવાનો મોકો નથી મળ્યો, તે વાતનું દુઃખ હતું. ઈશ્વર બધાને સમાન તક આપે છે તે ન્યાયે મને પણ સેવાની એક તક મળી...કોરોનાની રસીના વેક્સિનેટર બનવાની.
તેઓ જણાવે છે કે મારા પપ્પા એક આર્મીમેન છે. તે બોર્ડર પર દેશના લોકોનું રક્ષણ કરે છે અને મને દેશની અંદર સફેદ કોટ પહેરીને દેશ સેવાનો મોકો મળ્યો છે જે હું ગુમાવવા માંગતી ન હતી. એટલે વેક્સિનેશન કરવાની કામગીરીમાં મે મારૂ નામ લખાવ્યું અને તાલીમ લીધી. ૧૬મી જાન્યુઆરીથી લઈને શરૂ કરાયેલા વેક્સિનેશનના પ્રથમ ફેઈઝથી લઈને આજદિન સુધી હું કામગીરી કરી રહી છું.
હેતલબેન માકડીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં અમારા ડોક્ટરો અને સહકર્મચારીઓ ઉમદા સ્વભાવના છે.આ લોકો મારી ખૂબ કાળજી રાખે છે અને મને મારી સગર્ભાવસ્થાના કારણે કોઈ સમસ્યા ન થાય તે માટે મને એકાંતરા ડ્યુટી સોંપી છે. તેઓએ કોરાનાની રસીની અફવાથી દુર રહેવા અને કોરાનાના અંત માટે રસીકરણ કરાવવું જરૂરી છે, તેમ જણાવ્યું છે.

Related News