જસદણ ખાતે મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં કોરોના વેકસીનેશનનો શુભારંભ

SAURASHTRA Publish Date : 16 January, 2021 07:10 PM

કોરોના વેકસીનની અફવાઓથી દૂર રહી વેકસીનેશનના કાર્યમાં સહભાગી બનીએ
-      મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયા

જસદણ ખાતે મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં કોરોના વેકસીનેશનનો શુભારંભ

 

સમગ્ર દેશમાં આજથી આરંભાયેલા કોરોના વેકસીનેશનના અભિયાનમાં રાજકોટ જિલ્લો પણ જોડાયો છે. રાજકોટ જિલ્લાના જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં રસીકરણના અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈએ કોરોના સામેનો જંગ વેકસીનેશન દ્વારા આપણે જીતી શકીશું તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યં હતુ કે, ભૂતકાળમાં પણ શિતળાના રોગ માટે રસીકરણની ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી, તેવી જ રીતે કોરોનાની આ મહામારીને નાથવા માટે આજે દેશના સૌથી મોટા રસીકરણ અભિયાનનો શુભારંભ થઈ રહયો છે, ત્યારે પ્રત્યેક વ્યક્તિએ ગભરાયા વિના, કોરોના વેકસીનની અફવાઓથી દૂર રહીને વેકસીનેશનના કાર્યમાં સહભાગી બનવું પડશે.

મંત્રીશ્રીએ કોવીડ-૧૯ ના વૈશ્વિક મહામારીના સમયમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ લોકજાગૃતિની સાથે લોકો આ મહામારીના ભયથી મૂક્ત બની સલામત રહે તે માટેનું કાર્ય કર્યું છે, તેમ જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, ગુજરાતમાં પણ લોકડાઉનના વિવિધ તબક્કાઓ દ્વારા લોકોમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહી તે માટે રાજ્ય સરકારે હાથ ધરેલા સંનિષ્ઠ કાર્યોમાં ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ એવા કર્મયોગીઓની સાથે લોકો પણ સહભાગી બન્યા છે. જેના કારણે આપણે કોરોનાના કપરા સમયમાં પણ લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે અસરકારક કાર્ય કરી શક્યા છીએ. 

કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મિતેષ ભંડેરીએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતુ કે, રાજકોટ જિલ્લામાં તાલીમબધ્ધ આરોગ્યકર્મીઓ દ્વારા તબક્કાવાર રસીકરણનું કાર્ય હાથ ધરાશે. જેમાં તમામ લોકોને રસી મૂકાવી રસીકરણના અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના સૌથી મોટા રસીકરણ અભિયાનનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી શુભારંભ કરાવ્યો હતો. જેને ઉપસ્થિત મંત્રીશ્રી તથા મહાનુભાવોએ નિહાળ્યો હતો. કાર્યક્રમ બાદ જસદણ શહેરના ડો સી.એલ.બાવીસી તથા ડો. દિપક રામાણી સહિતના ૮ જેટલા ખાનગી હોસ્પિટલના ડોકટરશ્રીઓ તેમજ સરકારી હોસ્પિટલના ડોકટરશ્રીઓ અને આશા વર્કર બહેનો તેમજ આરોગ્ય કર્મીઓ સહિતના ૧૦૦ વ્યક્તિઓએ કોરોનાની રસી મૂકાવી હતી.

આ પ્રસંગે જસદણ પ્રાંત અધિકારીશ્રી,પ્રિયાંક ગલચર આરોગ્ય વિભાગના અધિકારી - કર્મચારીઓ, નગરપાલિકાના સદસ્યો, અધિકારી - પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.    

Related News