હું આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોતી હતી... ડો. બબીતા હપાણી: કોરોના સામે અંતિમ જંગરૂપી રસીકરણનો પ્રારંભ...

RAJKOT-NEWS Publish Date : 16 January, 2021 07:06 PM

કોરોના સામે અંતિમ જંગરૂપી રસીકરણનો પ્રારંભ...
લાભાર્થી કોરોના વોરિયર્સના પ્રતિભાવ
અમે રસી મૂકાવી, અમને કોઈ જ આડ અસર નથી થઈ


રસી ન લેવાય, તેનાથી તકલીફ થાય છે, તેવી માનસીકતાને દૂર કરી ગભરાયા વિના પ્રત્યેક વ્યક્તિએ પોતાના માટે, પોતાના પરિવાર અને સમાજ માટે રસી અવશ્ય લેવી જોઈએ


રાજકોટ જિલ્લામાં છેલ્લા ૩૦ વર્ષથી ખાનગી પ્રેકટીસ કરતાં ડોકટરો તેમજ રાજકોટ સિવિલ, સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોકટર - આરોગ્ય કર્મીઓ કોરોના વેકસીન મૂકાવી દેશના સૌથી મોટા રસીકરણના કાર્યમાં સહભાગી બન્યા

વિશ્વ સમક્ષ ઉભી થયેલી કોરોના મહામારી સામે દુનિયાના અન્ય દેશોની સાથે ભારત દેશ પણ લડી રહયો છે. કોરોનાની આ આપદાને હરાવવા સરકારની સાથે દેશના નાગરિકો પણ એકજૂટ બની આગળ આવ્યા છે. તેના પરિણામે દેશમાં અન્ય વિકસીત રાષ્ટ્રોની સરખામણીએ કોરોનાના સંક્રમણને આપણે મહદઅંશે ખાળી શક્યા છીએ.
કોરોનાને હરાવવા માટે આજથી ભારતવર્ષમાં દેશના સૌથી મોટા રસીકરણ અભિયાનનો શુભારંભ થયો છે. કોરોનાની સામે લડવામાં અસરકારક સાબિત થતી આ રસી સૌ પહેલા લોકોના આરોગ્ય માટે સતત ખડેપગે રહેતા કોરોના વોરિયર્સ એવા આરોગ્યના અધિકારી - કર્મચારીઓ સહિતના લોકોને આપવાનું સ્તુત્ય કાર્ય હાથ ધરાયું છે.
સમગ્ર દેશની સાથે રાજકોટ ખાતે હાથ ધરાયેલા આ રસીકરણ અભિયાનમાં સરકારી હોસ્પિટલના ડોકટર - પેરામેડીકલ સ્ટાફની સાથે છેલ્લા ૩૦ વર્ષથી ખાનગી પ્રેકટીસ કરી રહેલા તબીબોએ પણ જોડાઈને આરોગ્ય કેન્દ્ર ખાતે રસી લીધી હતી.

પ્રથમ રસી લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે - ડો. પંકજ બુચ (પી.ડી.યુ સિવિલ અધિક્ષક)
રાજકોટ પી.ડી.યુ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પંક બુચે રાજકોટ ખાતે કોરોના વોરિયર્સ તરીકે પ્રથમ વેક્સીન મેળવ્યાનું  સૌભાગ્ય પ્રાપ્ત થયાનું જણાવતા કહ્યું હતું કે, કોરોના મહામારીમાંથી બહાર આવનાનું ‘મેક ઈન ઇન્ડિયા’ વેક્સિનેશન સૌથી મહત્વનું પગલું છે. વેક્સીન લેવાથી અમારો આત્મવિશ્વાસ વધ્યો છે. કોરોનાની વેક્સીન લેવા બદલ ખુબ ઉત્સાહ છે અને વેક્સીન માટે કોઈપણ નકારાત્મક ભાવ વગર કોરોના સામેના યુદ્ધમાં રસીકરણમાં સહભાગી થવા તેમણે ખાસ અપીલ કરી છે. રસીકરણ બાદ ઓબ્જર્વેશન રૂમમાં કોઈપણ પ્રકરની આરોગ્ય સંબંધી તકલીફ માટે ખાસ વ્યવસ્થા ઉપલબ્ધ હોઈ રસી લેનારે નિર્ભીક બની રસીકરણ માટે આગળ આવવા જણાવ્યું હતું.

સિવિલ હોસ્પિટલના ૩૦૦ થી વધુ ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફને રસીરૂપી સુરક્ષા કવચ  મળ્યું - ડો. મુકેશ સામાણી (પી.ડી.યુ મેડિકલ કોલેજના ડીન)
પી.ડી.યુ મેડિકલ કોલેજના ડીન ડો. મુકેશ સામાણીએ રસી લીધા બાદ તેઓનો  પ્રતિભાવ વ્યક્ત કરતા કહ્યું હતું કે,  કોરોના સમયમાં સિવિલની કોવીડ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ૩૦૦ થી વધુ ડોક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફના અનેક લોકો કોરોના સંક્રમિત થવા છતાં તેઓ સ્વાસ્સ્થ બની ફરીથી સારવારમાં જોડાઈ તેમની ફરજનિષ્ઠા બખૂબી નિભાવી રહ્યા છે. રસીકરણ શરુ થતા હવે તમામ સ્ટાફને રસી આશીર્વાદ રૂપ બની રહેશે.  હવે તેઓને રસી મળી રહેતા હવે તેમને કોવીડ થવાની સંભાવના રહેશે નહિ અને તેમને સુરક્ષા કવચ મળી રહેશે.
વેક્સીન આપી લોકોની જિંદગી બચાવી રહ્યાનો ખુબ આનંદ – હેતલ વદર (વેક્સીનેટર)
રસી મુકનાર વેક્સીનેટર હેતલ વદર જણાવે છે કે,  કોરોનાના અનેક દર્દીઓની અમે સારવાર કરી છે, કોરોનાની પરિસ્થિતિ કેટલી ગંભીર છે તે મેં નજીકથી જોઈ છે. આટલા મહિના બાદ જયારે કોરોનાની રસી આવી ગઈ છે ત્યારે આજના દિવસે મને ખુબ ગર્વ થાય છે.  આજે મને રસી આપવાનો વેક્સીનેટર તરીકે મોકો મળ્યો છે. બીજા લોકોને કોરોના નો થાય તે માટે કોરોનાની વેક્સીન મૂકી લોકોની જિંદગી બચાવી રહ્યાનો મને ખુબ ખુબ આનંદ થાય છે.

હવે દર્દીઓની સારવાર નિર્ભીકપણે કરી શકીશું - બિન્દુબેન પરમાર (હેડ નર્સ)
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ૩૪ વર્ષથી દર્દીઓની સારવાર કરતા હેડ નર્સ બિન્દુબેન પરમાર રસી મેળવી તેમની ખુશી જણાવતા કહે છે કે,  અમે છેલ્લા ૧૦ મહિનાથી કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છીએ. વેક્સીન મેળવતા અમે હવે અમારી જાતને સુરક્ષિત કરી દર્દીઓની સારવાર નિર્ભીકપણે કરી શકીશું. તેઓ જણાવે છે કે કોરોનાની રસી લેવા માટે કોઈપણ પ્રકારના ભય વગર આગળ આવવું હોઈએ. મોદી સરકારે કાળજીપૂર્વક રસીને માન્યતા આપી છે જે બિલકુલ સુરક્ષિત છે. રસી લેવાથી કોરોના સામે પ્રોટેક્શન મળશે. કોરોના વોરિયર્સને પ્રાથમિકતા અપાવવા બદલ તેઓએ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારનો ખાસ આભાર માન્યો હતો.
*ડોક્ટર અને મેડિકલ સ્ટાફ બમણા જોશથી કામગીરી કરી શકશે - ડો. અમિત હાપાણી 
(કાર્ડિયોલોજિસ્ટ)*
છેલ્લા ૨૫ વર્ષથી મેડિકલ ક્ષેત્રે કાર્યરત કાર્ડિયોલોજિસ્ટ ડો. અમિત હાપાણી રસીનો લાભ મેળવતા તેઓ પ્રધાનમંત્રીશ્રીનો આભાર માનતા જણાવે છે કે, તેઓએ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસીકરણમાં પ્રાથમિકતા આપી તમામ ડોક્ટર્સ, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફને સુરક્ષિતા પુરી પાડી છે.  બે ડોઝ લીધા બાદ શરીરમાં કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન થશે, જેનાથી    આરોગ્ય સાથે સંકળાયેલા લોકો હવે નિર્ભયી બની આરોગ્ય ક્ષેત્રે બમણા જોસથી તેમની  કામગીરી કરી શકશે તેમ ડો. હાપાણી જણાવે છે.

રસી બિલકુલ સુરક્ષિત છે... ડો. સ્વાતિ પોપટ (બાળરોગ નિષ્ણાત)
રસીકરણના પ્રથમ દિવસે જ મને રસી અપાવવા બદલ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને સમગ્ર આરોગ્ય વિભાગ અને ખાસ તો ભારતીય રસી સંશોધક કંપનીઓનો આભાર માનતા તેઓ જણાવે છે કે, લોકોના મનમાં રસીને લઈને અનેક પ્રશ્નો હતા, તેનો જવાબ એક જ છે કે રસી બિલકુલ સુરક્ષિત છે. જુદા જુદા તબક્કામાં પરીક્ષણ બાદ રસી પ્રામાણિત કરવામાં આવી છે. કોરોના સામે જંગ જીતવા પ્રતિકાર શક્તિ હવે ઉપલબ્ધ બની છે ત્યારે આપણે કોરોનાને સંપૂર્ણ મહાત ચોક્કસ આપી શકીશું.
   
હું આ દિવસની આતુરતાપૂર્વક રાહ જોતી હતી... ડો. બબીતા હપાણી (કેન્સર સ્પેશિયાલિસ્ટ)
રસી લીધા બાદ ખુબજ સ્વસ્થતાપૂર્વક ડો. બબીતા હપાણી જણાવે છે કે હું આ દિવસની ખુબજ આતુરતાપૂર્વક રાહ જોતી હતી.  કોરોના કાળમાં પણ અમે કેન્સરના દર્દીઓની સારવાર અવિરત પણે કરી રહ્યા છીએ.  અમને થોડો ભય રહેતો કે જે તે દર્દી કોરોના સંક્રમિત તો નહિ હોઈને ? પરંતુ હવે રસી લીધાબાદ પ્રોટેક્શન મળતા અમને ફૂલ કોન્ફિડન્સ આવ્યો છે. દર્દીઓની સારવાર નિર્ભીકપણે કરી શકીશું.

વેક્સિન સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સુરક્ષા માટે દેશના વૈજ્ઞાનિકોએ બનાવેલું અનમોલ નજરાણું - ડો. હિરેન કોઠારી
રાજકોટમાં છેલ્લા ૩૦ વર્ષથી ઓર્થોપેડિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરતા અને સૌ પ્રથમ વેક્સિન લેનાર ડો. હિરેન કોઠારીએ જણાવ્યું હતું કે, વેક્સિન વિશે ચિંતા કરવાની જરૂર નથી. દેશના કાબેલ અને નિષ્ણાંત વૈજ્ઞાનિકોએ અનેક ટ્રાયલ બાદ તેની અસરો ચકાસીને વેક્સિનને લોન્ચ કરી છે એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી. ખુદ વેક્સિનેશન કરાવો, સ્વસ્થ રહો અને અન્ય માટે પ્રેરણાદાયી બનો.

વેક્સિનેશન લેતી વેળાએ ડો.કોઠારીએ જણાવ્યું હતું કે,  વેક્સિન આપણા સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સુરક્ષા માટે દેશના વૈજ્ઞાનિકોએ બનાવેલું અનમોલ નજરાણું છે તેથી વેક્સિનેશન કરાવીને સ્વસ્થ રહીએ અને અન્યને સ્વસ્થ બનાવવામાં યોગદાન આપીએ.

વિશ્વના સૌથી મોટા રસીકરણના કાર્યક્રમમાં સહભાગી થવાની મને તક મળી - ડો. દિપક રામાણી (સર્જન), જસદણ
વિશ્વના સૌથી મોટા રસીકરણના કાર્યક્રમમાં સહભાગી થવાની મને તક મળી છે, તે માટે મને આનંદ છે. મે આ રસીનો સૌથી પહેલો ડોઝ લીધો છે. મને કોઈ જ તકલીફ નથી થઈ. આ રસી સંપૂર્ણ સલામત છે, દરેક વ્યક્તિએ આ રસી અવશ્ય મૂકાવવી જોઈએ. આ રસીનો પ્રથમ ડોઝ મૂકાવ્યા પછી ૧ મહિના પછી બીજો ડોઝ પણ અવશ્ય મૂકાવવો જ જોઈએ.

આપણા પરિવાર અને સમાજ માટે રસીકરણ કરાવવુ જ જોઈએ - ડો. સી. એલ. બાવીશી, જસદણ
હું ૨૧ વર્ષથી જસદણ શહેરમાં ખાનગી પ્રેકટીસ કરૂં છું. મે આજે જસદણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શરૂ થયેલા કોરોના રસીકરણ અભિયાનમાં સહભાગી બની રસી લીધી છે. મને કોઈ જ પ્રકારની આડ અસર થઈ નથી. કોરોના રસીકરણ બાબતે જુદા - જુદા લોકો તેમની માનસીકતા પ્રમાણે રસી ન લેવાય, તેનાથી તકલીફ થાય છે તેવા ખોટા ડર અને અફવા ફેલાવે છે. તેનાથી આપણે સૌએ દૂર રહીને આપણા પોતાના માટે, આપણા પરિવાર અને સમાજ માટે રસીકરણ કરાવવુ જ જોઈએ.      
     

Related News