8 માર્ચે શ્રી ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાશે

BREAKING NEWS Publish Date : 06 March, 2021 03:02 PM

રાજકોટ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કાર્યરત શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા સમાજમાં મહિલાઓનું પ્રભુત્વ વધે, મહિલાઓનો વિકાસ થાય અને મહિલાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી રહે છે. દર વર્ષે શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસે મહિલાઓને સન્માનિત કરીને ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ 8 માર્ચે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. વિશ્વ મહિલા દિવસની ઉજવણી પ્રસંગે રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાશે, સાથે જ વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવશે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ખાસ હાજરી આપીને મહિલાઓને પ્રોત્સાહિત કરશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી રેમ્યા મોહન, રાજકોટ જિલ્લા જેલ સુપ્રિન્ટેન્ડેન્ટ બન્નો જોશી તથા રાજકોટ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ સાહેબના ધર્મપત્ની શ્રીમતી માલિનીબેન અગ્રવાલ હાજરી આપશે. જેઓનું શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનાર પ્રતિભાશાળી મહિલા શક્તિઓનું સન્માન કરવામાં આવશે.રાજકોટ શહેરના શ્રી સરદાર પટેલ ભવન ખાતે 8 માર્ચ ને સોમવારના રોજ બપોરે 3 વાગ્યાથી વિશ્વ મહિલાની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત થશે. વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓના સન્માન બાદ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રમેશભાઈ હીરપરા અને સરસ્વતીબેન હીરપરા સંગીતના સૂર રેલાવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિના સુમિતાબેન કાપડિયા, જયશ્રીબેન વરસાણી, રસીલાબેન ગજેરા, રમાબેન ઠુમ્મર,રંજનબેન મેંદપરા, મંજુબેન સાવલિયા સહિતના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમ પૂર્ણ થયે અલ્પાહારની વ્યવસ્થા કરાઈ છે..શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. રાજકોટમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા શ્રી ખોડલધામ મેરેજ બ્યૂરોનું સંચાલન, ગરબા સ્પર્ધા,સમયાંતરે મહિલા સશક્તિકરણ અને આરોગ્યલક્ષી સેમિનારનું આયોજન, મહિલાઓ તણાવમુક્ત રહે તે માટેપિકનિકનું આયોજન,ગ્રામ્ય સ્તર સુધી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની પ્રવૃત્તિઓને પહોંચાડી મહિલાઓને જાગૃત
કરવાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.

Related News