રાજકોટ સિવિલમાં ૩૦૦થી વધુ બાળકોને કોરોના મુક્ત કરવાની  અગ્રીમ ભૂમિકા ભજવતી પીડિયાટ્રિક ટીમ

SAURASHTRA Publish Date : 29 October, 2020 02:55 AM

રાજકોટ સિવિલમાં ૩૦૦થી વધુ બાળકોને કોરોના મુક્ત કરવાની 
અગ્રીમ ભૂમિકા ભજવતી પીડિયાટ્રિક ટીમ

 


૩ દિવસથી લઈ ૧૨ વર્ષ સુધીના બચ્ચાઓની અનેકવિધ ક્રિટિકલ સારવાર કરાઈ
 


બાળકોની સારવારમાં ખાસ તકેદારી જરૂરી - માતાપિતા સાથે કાઉન્સેલિંગ વધી જાય છે
- ડો. કોમલ મેંદપરા


સામાન્ય પરિવારનું દસ વર્ષનું બાળક પડી જતા થાપાના ભાગે ગંભીર ઇજા થઈ હતી, જેને સિવિલ ખાતે લાવવામાં આવ્યું ત્યારે તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોઈ કોરોનાના લક્ષણો જણાતા તેનો ટેસ્ટ કરવામાં આવ્યો. જે પોઝિટિવ આવતા તુરત જ તેને કોવીડના બાળકોના વિભાગમાં દાખલ કરાયું.  સર્જીકલ, ઓર્થોપેડિક, સહીત ટોચના ડોક્ટર્સની ટીમે બાળકને સાજો કરવા અથાગ મહેનત કરી હતી. એમ.આર.આઈ., સિટિ સ્કેન સહીત સઘન સારવાર બાદ દોઢ મહિના સુધી જે પ્રમાણે અમે ટીમ વર્ક કરી ક્રિટિકલ બાળકને સાજો કર્યો તે અનુભવ મારા માટે સુખદ રહ્યાનું રાજકોટ સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં કાર્યરત ડો. કોમલ મેંદપરા જણાવે છે.
ડો. કોમલ પહેલા દિવસથી જ કોરોનાના દર્દીઓની સારવારમાં જોડાયેલા છે. તેઓ અન્ય એક અનુભવ વિષે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલમાંથી હાઈરિસ્ક પ્રેગ્નન્ટ મહિલાને પોઝિટિવ આવતા સિવિલ ખાતે એડમિટ કરવામાં આવ્યા. સારવાર દરમ્યાન જોડિયા બાળકોને જન્મ આપ્યો. બાળકો બંને નેગેટિવ હતાં. મહિલાને પણ સારવાર બાદ નેગેટિવ આવ્યો. આ અનુભવ પણ અમારા માટે વિશેષ હતો.
બાળકોના વિભાગમાં અન્ય એક સાત વર્ષની બાળકી ખાનગી હોસ્પિટલમાંથી ટ્રાન્સફર કરાઈ ત્યારે તેને ઓક્સિજન માસ્ક સાથે લાવવામાં આવી હતી. તેને પોઝિટિવ આવતા આ બાળકીને એ જ કન્ડિશનમાં અમે ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત કરી હતી. ૧૬ દિવસ સુધી ઘનિષ્ઠ સારવાર બાદ બાળકી કોરોના મુક્ત બની હતી. તેમના માતાપિતાએ સિવિલ દ્વારા કરવામાં આવેલી સારવાર બદલ ખુબ જ ખુશી વ્યક્ત કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.
અહીં આવતા બાળકોની વિશેષ સારસંભાળ લેવી પડતી હોવાનું  ડો. મેંદપરા જણાવે છે. તેઓના વિવિધ રિપોર્ટ કરવા માટે પણ માત્ર બાળકોના ડોક્ટરની ટીમ દ્વારા જ પ્રક્રિયા કરવામાં આવે છે. ખાસ કરીને બાળકોની તકલીફ અંગે સમજવા અને તેમના પરિવાર જોડે સારવારની જાણકારી અર્થે કાઉન્સેલિંગ મોટી ઉંમરના દર્દીઓ કરતા વધારે મુશ્કેલ હોવાનું જણાવે છે.
કોરોના ઉપરાંત અન્ય તકલીફ હોઈ તેવા બાળ દર્દીઓને કોરોનાની સારવાર બાદ ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે વધારાની સારવાર પુરી પાડવામાં આવે છે.     
આ સમય દરમ્યાન કોરોનાના દર્દીઓની સારવાર કરતા ડો. કોમલ સંક્રમિત થતા સિવિલ ખાતે સારવાર લીધી હતી અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કર્યું હતું. અહીં તેમને મળેલ સારવાર માટે સિવિલ સ્ટાફનો હકારાત્મક અભિગમનો અનુભવ તેમને થયો હતો.
ડો. કોમલ કોવીડ વિભાગમાં બાળકોના ડોક્ટર હોવાના નાતે અગ્રીમ ભૂમિકા ભજવી રહ્યા હોઈ સારવાર બાદ પુનઃ તેઓ  ફરજ પર લાગી ગયા છે. લોકોને કોરોના સંક્ર્મણથી બચવા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા ખાસ વિનંતી કરી બાળકોની તકેદારી રાખવા ભલામણ કરે છે.

Related News