વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અભિયાન સાથે જ ભારતના સુવર્ણકાળની શરૂઆત થઈ ગઈ છે - ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ

RAJKOT-NEWS Publish Date : 16 January, 2021 07:19 PM

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અભિયાન સાથે જ ભારતના સુવર્ણકાળની શરૂઆત થઈ ગઈ છે
- ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ

માસ વેક્સિનેશન જ કોઈ પણ રોગને કાબૂમાં લેવાનો સહેલો અને સરળ ઉપાય છે
-     ડો. હિરેન કોઠારી, ઓર્થોપેડિક સર્જન

 કોરોના વાયરસને નાથવાના પ્રયાસોમાં ભારતમાં જ બનેલી અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન કોવિશિલ્ડના રસીકરણ ઝૂંબેશનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો છે. રાજકોટમાં કાર્યક્રમનો શુભારંભ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે દિપ પ્રાગટ્ય વડે કર્યો હતો.

સમગ્ર દુનિયાની જેના પર નજર હતી તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશનો વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં આજથી શુભારંભ થયો છે. ત્યારે ૩૦૦૬ જેટલા કેન્દ્રો અને ગુજરાતમાં કુલ ૧૬૧ જેટલા કે્ન્દ્રો પરથી શુભારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં કુલ છ જગ્યાએ રસીકરણની પ્રક્રીયા હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું હતું.

આ સમયે ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં માનવજાતે ઘણું ગુમાવ્યું છે પરંતુ કોરોનાને નેસ્તનાબુદ કરવાનો જુસ્સો અને હીંમત રાખીને કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના સમયમાં ભારતે વિશ્વના દેશોને જરૂરી મદદ પહોંચાડીને માનવીય ગરીમાને નવી ઉંચાઈ આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર અભિયાન સાથે જ ભારતના સુવર્ણકાળની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા સમયમાં માત્ર મેડીકલ જ નહીં પરંતું તમામ ક્ષેત્રમાં અગ્રેસર રહેશે.

રાજકોટમાં છેલ્લા ૩૦ વર્ષથી ઓર્થોપેડિક સર્જન તરીકે પ્રેક્ટિસ કરતા અને સૌ પ્રથમ વેક્સિન લેનાર ડો. હિરેન કોઠારીએ જણાવ્યું હતું કે, વેક્સિન વિશે ચિંતા કરવાની જરૂર નથી. દેશના કાબેલ અને નિષ્ણાંત વૈજ્ઞાનિકોએ અનેક ટ્રાયલ બાદ તેની અસરો ચકાસીને વેક્સિનને લોન્ચ કરી છે એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી. એલર્જી અથવા વ્યક્તિની તાસીર જેવા મામુલી કારણોવસાત્ત નહીંવત રિએક્શન આવી શકે છે. આ વેક્સિનનું કામ માનવ શરીરમાં એન્ટીબોડીઝ એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરવાનું છે. તાવ કે કળતર જેવું થાય તો વેક્સિન સેન્ટરનો સંપર્ક કરવો. માસ વેક્સિનેશન જ કોઈ પણ રોગનો કાબૂમાં લેવાનો સહેલો અને સરળ ઉપાય છે. ખુદ વેક્સિનેશન કરાવો, સ્વસ્થ રહો અને અન્ય માટે પ્રેરણાદાયી બનો.

વેક્સિનેશન લેતી વેળાએ ડો.કોઠારીએ જણાવ્યું હતું કે, મારી ઉંમર પંચાવન વર્ષની છે પરંતુ  બાળપણમાં વેક્સિન લેતી વખતના અનુભવોની ફરી એક વાર યાદ નજર સમક્ષ ખડી થઈ ગઈ. વેક્સિન આપણા સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સુરક્ષા માટે દેશમાં વૈજ્ઞાનિકોએ બનાવેલું અનમોલ નજરાણું છે તેથી વેક્સિનેશન કરાવીને સ્વસ્થ રહીએ અને અન્યને સ્વસ્થ બનાવવામાં યોગદાન આપીએ.
જો કોઈ વ્યક્તિને રીએક્શન આવે તો તેવા સંજોગોમાં સત્વરે જરૂરી સારવાર આપવા માટે અન્ય વેક્સિન, જરૂરી દવાઓ, ઓક્સિજન સેક્સન, રીસેટીટેશન કિટ સહિતની જરૂરીયાતની તમામ સાધન સામગ્રી સાથે ઓબ્ઝર્વેશન રૂમની સૂવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે, તેમ, ડો. નેહા મહેતાએ જણાવ્યું હતું.

ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે ડો. કોઠારીને “મેં કોરોના વેક્સિન લીધી છે” નો બેઝ લગાવીને સન્માનિત કર્યા હતા. વિભાગીય નિયામક આરોગ્યશ્રી રૂપાલી મહેતાએ રૂબરૂ મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે પદ્મકુંવરબા હોસ્પિટલના અધિક્ષક ડો. કેતન પીપળીયા, નિવાસી મેડીકલ ઓફિસરશ્રી નુતન લુંગાતર, ડો. લલીત વાજા, ડો. અંકિતા સિંધ, ડો. ખ્યાતિ દવે, ઈ.એન.ટી. ડો. સંદિપ વાછાણી, ફાર્માસિસ્ટ શ્રી સંકેત ગાોંડલીયા, વેક્સિનેટર શ્રી હંસાબેન સાકરીયા, સહાયક શ્રી ગૌરાંગ મુરાસિયા, મેનેજર શ્રી ભાવેશ વરમોરા સહિતનો સ્ટાફ ઉપસ્થિત્ રહ્યા હતા.
 

Related News