આધ્યાત્મિક ચેતના જગાડીને વિકાસની સાથે ગુજરાતને સંતોના આશીર્વાદથી ચેતનવંતુ બનાવવું છે: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
આધ્યાત્મિક ચેતના જગાડીને વિકાસની સાથે ગુજરાતને સંતોના આશીર્વાદથી ચેતનવંતુ બનાવવું છે: મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
રાજકોટના ભુપેન્દ્ર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર સાથે મારે નાનપણનો નાતો છે
ભારતીય સંસ્કૃતિની પરંપરા, વેદો, ઉપનિષદો થકી ભારત વિશ્વ જનની બનશે
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા ૬૫માં જન્મદિને મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન
મુખ્યમંત્રીશ્રીએ શ્રી બોરડી પ્રસાદીના દર્શન કરી મહાપૂજામાં સહભાગી થઈ હિંડોળાનું ઉદઘાટન કર્યું
રાજકોટ,
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શનનું ઉદઘાટન કરી હરિભક્તોને સંબોધતાં જણાવ્યું હતું કે આધ્યાત્મિક ચેતના જગાડીને વિકાસની સાથે ગુજરાતને ચેતનવંતુ બનાવવું છે. સંતો મહંતોના આશીર્વાદથી ગુજરાત આગળ વધ્યું છે, તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે જન્મદિને સંતોના આશીર્વાદ મળતા મને ગુજરાતની સેવા કરવાનું નવું બળ પ્રાપ્ત થશે. મુખ્યમંત્રીશ્રીએ સંતોના ઋણી હોવાનું જણાવીને વડતાલ-જુનાગઢ-રાજકોટ-ગઢડા સ્વામિનારાયણ મંદિરના શાખાના સંતોના આશીર્વાદ જનસેવામાં ઉપયોગી બનશે તેમ કહ્યું હતું.
ભારતીય સંસ્કૃતિની પરંપરા, સનાતન ધર્મ, વિશ્વ કલ્યાણની ભાવના, ઋષિમુનિઓ અને ચરિત્ર નિર્માણ સાથે આદર્શ જીવન માટેની પરંપરા થકી ભારતમાતા વિશ્વ જનની બનશે, તેમ જણાવીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે તેમ તેમણે સગૌરવ જણાવ્યું હતું .
આ પ્રસંગે શ્રી માધવપ્રિયદાસ સ્વામી, મંદિરના કોઠારી રાધારમણ સ્વામી, ગઢડાના હરિજીવનદાસજી સ્વામી અને નૌતમ સ્વામી સહિતના સંતોએ આશિર્વચન પાઠવી મુખ્યમંત્રીશ્રીને સંવેદનશીલતાની સાથે-સાથે સેવાપ્રિય અને પ્રજાની સેવામાં સતત કાર્યરત ગણાવી ભગવાન તેમને દીર્ઘ આયુષ્ય આપે અને સતત ગુજરાતની સેવા કરતા રહે, તેવી શુભકામના પાઠવી હતી. સંતોએ ગુજરાત સરકારની સેવાકીય કામગીરી અને યોજનાઓને આવકારી સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીનું સંતોએ વિશિષ્ટ અભિવાદન કર્યું હતું. બાલાજી દાદાની મૂર્તિ પણ અર્પણ કરી હતી.
આ પ્રસંગે શ્રી દેવ સ્વામી, શ્રી દેવનંદન સ્વામી, શ્રી હરજીવન સ્વામી, શ્રી વિવેક સાગર સ્વામી, શ્રી બાલમુકુન્દ સ્વામી તેમજ ત્રણ બોર્ડના ચેરમેન, ટ્રસ્ટીશ્રીઓ, ગુરુકુળના સંતો, શ્રી ચેતનભાઈ રામાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરીયા, અગ્રણીશ્રી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રી પ્રદિપભાઈ ડવ, જૂનાગઢના મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, શ્રી રાજુભાઇ ધ્રુવ, સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપરાંત કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ ,પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને સંગઠનના પદાધિકારીઓ, હરીભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.