મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત રાજકોટ જિલ્લાની મુલાકાત લઈ જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સમિક્ષા કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત રાજકોટ જિલ્લાની મુલાકાત લઈ જિલ્લા પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સમિક્ષા કરી

રાજકોટ શહેર તેમજ જિલ્લામાં થયેલ નૂકશાનીના સર્વે માટે ટીમોનું ગઠન કરી સર્વેની કામગીરી 
હાથ ધરાઈ

રાજકોટ, તા. ૧૪, સપ્ટેમ્બર :

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત રાજકોટ જિલ્લાના પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને અસરગ્રસ્તો સાથે સંવાદ કરી કુદરતી આપત્તિના આ સમયમાં સરકાર તેમની પડખે છે તેવી હૈયા ધારણા આપી હતી. ત્યાર બાદ તેમણે રાજકોટ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી પ્રશાસન દ્વારા હાથ ધરાયેલ કામગીરીની સર્વગ્રાહિ સમિક્ષા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓ પાસેથી જિલ્લામાં થયેલ નૂકશાનીની વિગતો મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં નૂકશાનીના સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તથા હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે જાહેર કરવામાં આવેલ ‘રેડ’ અને ‘યલો’ એલર્ટના પગલે વહિવટી તંત્રને ‘સ્ટેન્ડ ટુ મોડ’માં રહી પરિસ્થિતિ ઉપર નજર રાખવા તાકીદ કરી હતી. 
આ બેઠક બાદ માધ્યમો સાથેના સંવાદમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે કુદરતી આપત્તિના આ સમયમાં અધિકારી - પદાધિકારીઓએ પરસ્પરના સંકલન સાથે કરેલ કાર્ય સરાહનીય છે. આ કપરા સમયમાં જિલ્લાના ગ્રામિણ વિસ્તારોના ૩૩૦૬ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતુ, જે પૈકી ૨૭૩૩ જેટલા લોકો પોતાના ઘરે પરત ગયા છે. આ ઉપરાંત ૫૧૭ લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યું છે.  
 મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો આપતા કહ્યું કે વરસાદના જે પાણી ભરાઇ ગયા હતા તે હવે ઓસરી ગયા છે. જિલ્લામાં જિલ્લાના ૮૨ જેટલા ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ હતી, તેમાંથી હવે માત્ર ૩ ગામો જ પૂર્વવત થવાના બાકી છે. રાજકોટમાં આવતીકાલ સુધીમાં જનજીવન પૂર્વવત થઈ જશે તે રીતે કાર્યવાહી થઈ રહી છે.  
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે ઉપસ્થિત રાજકોટ જિલ્લાના સાંસદશ્રીઓ તેમજ ધારાસભ્યશ્રીઓએ રાજકોટ તેમજ પોરબંદર વિસ્તારમાં પ્રશાસન દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવી હતી અને વરસાદ બાદ રોડ-રસ્તા, ખેતર, ઘરો અને જાનમાલની થયેલ નુકસાનીનો વહેલી તકે સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત લોકોને જરૂરી સુવિધા પુરી પાડવા સૂચન કરાયું હતું.  
અધિકારીશ્રીઓએ પ્રેઝન્ટેશન દ્વારા રાજકોટ શહેર તેમજ જિલ્લામાં પ્રસાશન દ્વારા કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ રજુ કર્યો
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરા,  જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવ ચૌધરી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાં વરસાદ પહેલા, દરમ્યાન તેમજ ત્યારબાદ લોકોનું સલામત સ્થળે કરવામાં આવેલ સ્થળાંતર, બચાવ, રાહત, પાણીના નિકાલ અર્થે કરવામાં આવેલી કામગીરીની માહિતી પુરી પાડી હતી. પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, રેન્જ આઇજી શ્રી સંદીપસિંહ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીનાએ કુદરતી આફત સમયે પોલીસ દ્વારા બચાવ, રોડ ડાયવરઝન સહિતની કરવામાં આવેલ કામગીરીની માહિતી મુખ્યમંત્રીશ્રીને પુરી પડી હતી. આ તકે મુખ્ય સચિવશ્રી પંકજકુમારે ઉપસ્થિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.  
મુખ્યમંત્રીશ્રી સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ સભ્યો સર્વેશ્રી શ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર પ્રમુખશ્રી કમલેશ મિરાણી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રી ભુપતભાઈ બોદર, અગ્રણીઓશ્રી મનસુખભાઈ ખાચરિયા, મનીષભાઈ ચાંગેલા, પી.જી.વી.સી.એલ.ના એમ. ડી. શ્રી ધીમંત વ્યાસ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.